વડોદરામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન રાજ્યના નાયબ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દીકરીઓની સુરક્ષા અને સામાજિક એકતાને લઈને અત્યંત મહત્વપૂર્ણ સંબોધન કર્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે દીકરીઓને ફસાવનારા તત્વોને સરકાર ક્યારેય નહીં બક્ષે.
વડોદરાના રામેશ્વર મંદિર ખાતે આસ્થા અને શ્રદ્ધાના સંગમ વચ્ચે હર્ષ સંઘવીએ જનમેદનીને સંબોધી હતી. આ પ્રસંગે તેમણે વડોદરાવાસીઓ માટે 210 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની મોટી ભેટ આપી હતી.
🙏સમાજને અપીલ અને દીકરીઓની સુરક્ષા:
સંબોધનમાં સૌથી મહત્વનો મુદ્દો દીકરીઓની સુરક્ષાનો રહ્યો. હર્ષ સંઘવીએ બે હાથ જોડીને સમાજને વિનંતી કરતા કહ્યું કે, “જો સમાજની કોઈ ભોળી દીકરી મુશ્કેલીમાં મુકાય અથવા કોઈનો શિકાર બને, તો તેની ટીકા કરવાને બદલે સમગ્ર સમાજે તેની વ્હારે આવવું જોઈએ.” તેમણે દીકરીઓને ‘ઝાંસીની રાણી’ બનીને પોતાની રક્ષા કરવા અને સમાજને તેમને સહારો આપવા આહવાન કર્યું હતું.
🧐લવ-જેહાદ અને છેતરપિંડી સામે લાલ આંખ:
ગૃહમંત્રીએ કડક શબ્દોમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દીકરીઓ સાથે થતી છેતરપિંડી સામે મક્કમ છે.
- ખોટું નામ ધારણ કરીને અથવા ઓળખ છુપાવીને દીકરીઓને ફસાવનારાઓ સામે કાયદાનો કડક હાથ કામ કરશે.
- તેમણે ઉમેર્યું કે આવા ગુનેગારોને એવો પાઠ ભણાવવામાં આવશે કે તેઓ ફરી ક્યારેય કોઈ દીકરી સામે આંખ ઉઠાવવાની હિંમત નહીં કરે.
👮પોલીસ કાર્યવાહીનો ઉલ્લેખ:
બનાસકાંઠા, વડોદરા, પંચમહાલ અને સુરત જેવા વિસ્તારોમાં બનેલી ઘટનાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, પોલીસ અને વિવિધ સામાજિક સંગઠનોના સહયોગથી અનેક કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે.
🫵અંતમાં, હર્ષ સંઘવીએ રામેશ્વર મંદિરને એકતાનું પ્રતીક ગણાવી લોકોને અંદરોઅંદરના મતભેદો ભૂલી સમાજની સુરક્ષા માટે એકજૂથ થવા અપીલ કરી હતી.