વડોદરા તાલુકાના સમિયાલા ગામે વાસણો અને દાગીના ચમકવવાના નામે મહિલાની સોનાની ચેઇનને કેમિકલમાં નાખીને ઓગાળી દેનાર બે ગઠિયાઓને વડોદરા તાલુકા પોલીસે ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.
- ઘરે સેલ્સમેન બનીને બે અજાણ્યા વ્યક્તિઓ આવ્યા હતા.
- પ્રોડક્ટ જોવા માટે ફરિયાદી વૈશાલીબેને તેમને ઉભા રાખ્યા હતા.
- સોનાની ચેઇન ન મળતા તેઓને રોકવામાં આવ્યા હતા.
વડોદરા તાલુકાના સમિયાલા ગામે રહેતા વૈશાલીબેન ચૌહાણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઘરે સેલ્સમેન બનીને બે અજાણ્યા વ્યક્તિઓ આવ્યા હતા.તેઓનાજે મુલતાની માટી, ફેશવોશ અને મેકઅપનો સમાન વેંચતા હોવાનું જણાવ્યું હતું.તેઓની પ્રોડક્ટ જોવા માટે ફરિયાદી વૈશાલીબેને તેમને ઉભા રાખ્યા હતા.
સેલ્સમેનના રૂપમાં આવેલા ગઠિયાઓએ વાસણો ચમકાવવાનું લિકવિડ બતાવ્યું હતું અને પિત્તળનો ઘડો, ચાંદીનો સિક્કો ધોઈ આપ્યો હતો.ચાંદી પિત્તળના વાસણ સારી રીતે ધોવાયા બાદ વિશ્વાસમાં આવી જઈને ફરિયાદી વૈશાલીબેને આશરે એક તોલાની સોનાની ચેઇન ઉતારીને ધોવા માટે આપી દીધી હતી.
સેલ્સમેનના સ્વાંગમાં આવેલા ગઠિયાઓએ વાટકામાં કોઈ કેમિકલ કાઢીને તે પ્રવાહીમાં સોનાની ચેઇન ડુબાડીને આગ લગાવી હતી. અને ત્યાર બાદ બ્રશ વડે સાફ કરીને સોનાની ચેઇનને હળદરમાં મુકાવીને થોડા સમય પછી કાઢજો તેમ કહીને ચાલતા થયા હતા.
જોકે સોનાની ચેઇન ન મળતા તેઓને રોકવામાં આવ્યા હતા. જ્યારે ચેઇન કેમિકલમાં ઓગળી ગયાનું કહેતા તેઓને પકડીને પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા. પોલીસે બંને ગઠિયાઓની પૂછપરછ કરતા પોતાનું નામ રાવીકુમાર મંડલ અને નિતેશકુમાર મંડલ હાલ. રહે નડિયાદ, મૂળ રહે. બિહાર હોવાનું જણાવ્યું હતું. બંનેની પોલીસે ધરપકડ કરીને વિવધ પ્રવાહી સ્વરૂપના કેમિકલ અને એક સોનાની ચેઇનનો ટુકડો એમ મળીને 6,200નો મુદ્દમાલ કબ્જે લીધો છે. બંને આરોપીઓ ભૂતકાળમાં પણ ઉમરેઠ,વિસનગર ટાઉન,બોડેલી અને બાયડ પોલીસ મથકમાં આજ પ્રકારે ગુન્હો આચરી ચુક્યા છે. પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.