વડોદરામાં વહેતી વિશ્વમિત્રી નદી 20 કિમી અને આસપાસનામાં આવતી-જતી ઢાઢર નદીમાં સિંચાઇ વિભાગ અને પાલિકા દ્વારા કામ ચાલુ છે
આજરોજ વિશ્વામિત્રી નદીના રીવાઇવલ માટેના પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ તકે ગુજરાત વિધાનસભાના દંડક બાળુ શુક્લ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આગામી 100 દિવસ સુધી વિશ્વામિત્રી નદીને ઉંડી-પહોળી અને સ્વચ્છ કરવાનું કાર્ય ચાલશે. જેમાં વિશ્વામિત્રી નદીની ક્ષમતા 200 કરોડ લીટર પાણી વહી જાય તેટલે સુધીની વધશે, તેવો દાવો શાસકો દ્વારા કરવામાં આવ્યો છે.
ગુજરાત વિધાનસભાના દંડક અને રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બાળુ શુક્લએ મીડિયાને જણાવ્યું કે, વડોદરાવાસીઓને પૂરની તકલીફ દુર થાય તે માટે 2010 માં ગુજરાત રાજ્યના સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થયા તે અનુસંધાને વડોદરાના તમામ સ્ટેક હોલ્ડર્સ, તમામ પાર્ટીના નેતાઓ તથા અન્યને સાથે રાખીને વિશ્વામિત્રી નદીના નવસર્જનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમાં તબક્કાવાર રીતે કામ ચાલતું હતું. પરંતુ આ વખતે જ્યારે રાજ્યમાં ભયાનક પૂર આવ્યું ત્યારે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા વડોદરાવાસીઓને એક વચન આપવામાં આવ્યું હતું, કે આજ પછી વડોદરામાં ક્યારે પણ પૂરનું પાણી નહીં પ્રવેશે, અને વડોદરાવાસીઓને નુકશાન નહીં થાય.
વધુમાં જણાવ્યું કે, તે માટે તરત જ 48 કલાકમાં જ ભારત સરકારના પૂર્વ સચિવ નવલાવાલાની અધ્યક્ષતામાં કમિટિ બનાવી હતી. અને તેમના સૂચન પ્રમાણે સરકારના તમામ ડિપાર્ટમેન્ટ વડોદરા શહેરમાં પૂરનું પાણી રોકવા માટેના કામોમાં જોડાઇ ગયા હતા. જેમાં સિંચાઇ વિભાગ, મહેસુલ વિભાગ, કોર્પોરેશનનો સમાવેશ થાય છે. વડોદરામાં વહેતી વિશ્વમિત્રી નદી 20 કિમી અને આસપાસના વિસ્તારમાં આવતી-જતી ઢાઢર નદીમાં સિંચાઇ વિભાગ અને પાલિકા દ્વારા કામ ચાલુ છે. આજે વિશ્વામિત્રી નદીમાં કામ ચાલુ કરવામાં આવ્યું છે. ત્યારે 200 કરોડ લીટર પાણી એકી સાથે વહી જશે તેવી ક્ષમત વિકસશે અને વિશ્વામિત્રી નદીની વહન ક્ષમતા વધશે. જેનાથી આવનાર સમયમાં વડોદરામાં પૂરની પરિસ્થિતી નહીં સર્જાય તેવો અમને વિશ્વાસ છે.