વડોદરાના ગોત્રી અને છાણી જકાતનાકા વિસ્તારમાં બે પીધેલા કાર ચાલક પકડવાના જુદા-જુદા બે બનાવ બનતા પોલીસે કાર્યવાહી કરી હતી.
- ગોત્રી-નશામાં ચૂર કાર ચલાવતા સ્ટિઅરીંગ પરનો કાબુ ગુમાવતા.
- છાણી-નાશમાં ચૂર કાર ચાલક ફુલ સ્પીડમાં કાર ચલાવતો હોવાથી પોલીસે તેને ઝડપી પાડી
ગોત્રી સેવાસી રોડ પર સેવાસી પોલીસ ચેકપોસ્ટ પાસે આજે પરોઢિયે એક કાર ચાલકે નશામાં ચૂર હાલતમાં બેફામ રીતે કાર ચલાવતા સ્ટિઅરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. આ સાથે કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી અને થાંભલા સાથે ભટકાતા ત્રણ સરકારી સીસીટીવી કેમેરા તૂટી ગયા હતા. પોલીસે શુભમ જગદીશ શર્મા (રહે-કેવડાબાગ બેઠક મંદિર પાસે)ની ધરપકડ કરી હતી.
આવી જ રીતે છાણી જકાતનાકા વિસ્તારમાં શિવમ સોસાયટી પાસે એક કાર ચાલક ફુલ સ્પીડમાં કાર ચલાવતો હોવાથી પોલીસે તેને ઝડપી પાડી કાર કબજે કરી હતી. દારૂના નશામાં ચૂર એવા કારચાલકનું નામ સંદીપ ગીરીશભાઈ મુલાણી (શિવમ સોસાયટી,ન્યુ સમા રોડ) હોવાનું ખુલ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે,શહેરમાં બેરોકટોક શરાબનું વેચાણ થઈ રહ્યું છે. પોલીસ પાસે માત્ર ગણતરીના કેસો નોંધાય છે. બાકીનો શરાબનો જથ્થો બેરોકટોક વેચાઈ રહ્યો છે. આ શરાબની હાટડીઓ પરથી શરાબનો નશો કરીને નબીરાઓ નિર્દોષ નાગરિકોનો જીવ લે છે. એવા સમયે જ પોલીસને શરાબની હાટડીઓ બંધ કરાવવાનું યાદ આવે છે.