રાજ્યમાં ચાંદીપુરા વાયરસના વધી રહેલા કેસોને લઈને વડોદરા જીલ્લા તંત્ર પણ સતર્ક થવા પામ્યું છે. આજે જીલ્લા કલેકટર બીજલ શાહની આગેવાનીમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે તાકીદે બેઠક યોજવામાં આવી હતી. જેમાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં ચાંદીપુરા વાયરસની સારવાર થઇ શકે તેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
પંચમહાલ જીલ્લામાં જોવા મળેલા ચાંદીપુરા વાયરસના કેસો બાદ રાજ્યમાં અનેક સ્થળે આ શંકાસ્પદ વાયરસના લક્ષણો સાથેના દર્દીઓ સામે આવી રહ્યા છે. આ દર્દીઓ મોટા ભાગે બાળકો છે અને તેઓને સરકારી બાળરોગ હોસ્પીટલમાં સારવાર આપવામાં આવી રહી છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં હાલ શંકાસ્પદ ચાંદીપુરાના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમાં આસપાસના જીલ્લાના કુલ 7 કેસો આવ્યા હોવાની માહિતી જીલ્લા કલેકટરે આપી છે. જેમાંથી 4 દર્દીના મૃત્યુ થયા છે અને બે દર્દીઓની રીકવરી આવી છે. જયારે એક દર્દી ICUમાં સારવાર હેઠળ છે. ચાંદીપુરા વાયરસની સારવાર માટે સયાજી હોસ્પીટલમાં વેન્ટીલેટર સાથેના 18 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં 40 વેન્ટીલેટર બેડની સુવિધા તૈયાર રાખવામાં આવી છે. આ સાથે ધીરજ હોસ્પીટલમાં વેન્ટીલેટર સાથેન 25 બેડ તૈયાર રખાયા છે.. તેમજ ગોત્રી GMERS હોસ્પીટલમાં વેન્ટીલેટર સાથેના 8 બેડ તૈયાર રાખવામાં આવ્યા છે.
તંત્રએ તકેદારીના ભાગ રૂપે ખાનગી હોસ્પિટલોને પણ પ્રથમ તબક્કામાં તૈયાર રહેવા જણાવ્યું છે. જરૂર પડે PMJAY એફીલીએટેડ હોસ્પિટલોને તૈયાર રહેવા જણાવવામાં આવ્યું છે. અને ખાનગી હોસ્પિટલોની વેન્ટીલેટર સાથેની ક્ષમતાના ડેટા તૈયાર કરવામાં આવ્યા હોવાનું જીલ્લા કલેકટરે જણાવ્યું છે.