રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વડોદરા રેન્જ આઈજી કચેરીની વાર્ષિક કામગીરીની સમીક્ષા કરી હતી. આ દરમિયાન ડીજીપીએ સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિના સમયે એરિયલ પેટ્રોલિંગ કરવા સાથે કોર પોલિસિંગ કરવા માટે અધિકારીઓને સૂચનો કર્યા હતા.
DGP દ્વારા PI અને 6 PSI ને પ્રશંસાપત્ર એનાયત
ગુજરાતના વિકાસ સહાયે સમીક્ષા કરવા માટે વડોદરા રેન્જ આઈજીની કચેરીની મુલાકાત લીધી હતી. તેમણે રેન્જ હેઠળના ચાર જિલ્લામાં વર્ષ દરમિયાન પોલીસ દ્વારા કરાયેલી કામગીરી, નોંધાયેલા ગુના અને ડિટેક્ટ થયેલા ગુના સહિતની વિગતો મંગાવી હતી. રેન્જમાં સૌપ્રથમ વડોદરા ગ્રામ્યમાં નોંધાયેલા ગુજરીટોકના ગુના સાથે ડભોઈ પોલીસની હદમાં બનેલા ડિજિટલ અરેસ્ટ કેસ અંગે પણ ડીજીપીએ માહિતી મેળવી હતી.
જૂની કલેક્ટર કચેરીના ધારાસભા હોલમાં હાજર અધિકારીઓને સૂચન કર્યું હતું કે, ડ્રોન સર્વેલન્સનો વધુ ઉપયોગ કરવામાં આવે. ડીજીપીએ રાત્રિના સમયે સંવેદનશીલ વિસ્તારોમાં એરિયલ પેટ્રોલિંગ કરવામાં આવે તેવી તાકીદ કરી હતી. આ સંદર્ભે વધુ વિગત આપતા વિકાસ સહાયે જણાવ્યું હતું કે, કોર પોલિસિંગ કરવા માટે સૂચન કરાયું છે. આ ઉપરાંત પોલીસ સ્ટેશનોમાં વધુ અસરકારક કામગીરી કરવા માટે પણ અધિકારીઓને કહેવાયું છે.
DGPએ વડોદરા રેન્જ કચેરી સાથે જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર PI અને PSIનું સન્માન કર્યું હતું. ડીજીપીએ રેન્જ હેઠળના ચાર જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી બદલ 3 PI અને 6 PSI ને પ્રશંસાપત્ર અને ઇનામ આપ્યા હતા. આ પ્રસંગે આઈ.જી. શેખ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આઈજી સંદીપ સિંગ, ભરૂચના એસપી અથવરાજ મકવાણા, વડોદરા ગ્રામ્ય એસપી સચિન્દ્ર અંગવાલ, નર્મદા જિલ્લા એસપી વિશાખા ડબરાય અને છોટાઉદેપુર જિલ્લાના એસપી પણ હાજર રહ્યા હતા.