વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે સ્થાયી સમિતિની એક મહત્વની બેઠક મળી હતી. અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ માટે રજૂ કરાયેલી તમામ 21 દરખાસ્તોને બહુમતીથી મંજૂર કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને પશ્ચિમ અને દક્ષિણ ઝોનમાં પાણીની સમસ્યા, રસ્તાના રિપેરિંગ અને આગામી બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે.
📰વડોદરાના નગરજનો માટે રાહતના સમાચાર છે. સ્થાયી સમિતિએ શહેરના માળખાગત વિકાસ માટે કરોડોના ખર્ચને મંજૂરી આપી છે.
📍મુખ્ય મુદ્દાઓ:
પાણીની સમસ્યાનો ઉકેલ: પશ્ચિમ ઝોનના વોર્ડ નં. 10 અને 11 માં નવી પાઈપલાઈન માટે ₹1.40 કરોડનો વધારાનો ખર્ચ મંજૂર કરાયો છે. જ્યારે દક્ષિણ ઝોનમાં પાણીની વ્યવસ્થા માટે ₹1.50 કરોડના વાર્ષિક ઈજારાને મહોર મારી છે. નિમેટા પ્લાન્ટ ખાતે નવા ડીજી સેટ પણ વસાવવામાં આવશે.
બ્રિજ અને રસ્તાની મરામત: વિશ્વામિત્રી નદી પરના બાલભવન અને મુજમહુડા બ્રિજના સ્ટ્રક્ચર રિપેરિંગ માટે ₹1.18 કરોડ ખર્ચાશે. તો બીજી તરફ ‘કોલ્ડ મિક્સ’ ટેકનોલોજીથી રસ્તાના ખાડા પૂરવાની કામગીરીને પણ બહાલી અપાઈ છે.
આરોગ્ય અને સ્વચ્છતા: શહેરમાં દુર્ગંધ રોકવા માટે જંતુનાશક દવાઓની ખરીદીમાં 25% નો વધારો કરવામાં આવ્યો છે.
🧐બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ જાહેરાત
પાલિકાએ આ વખતે માત્ર ઈંટો અને પથ્થરના કામો જ નહીં, પણ વિદ્યાર્થીઓની ચિંતા પણ કરી છે.
આગામી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને, પાલિકા શહેરના તમામ પરીક્ષા કેન્દ્રો પર પીવાના પાણીની સુવિધા, ટેબલ-ખુરશી અને જરૂરી બેકડ્રોપની સુવિધા પૂરી પાડશે. આ નિર્ણયને સામાજિક જવાબદારીના ભાગરૂપે આવકારવામાં આવ્યો છે.
“અમે આજે રજૂ થયેલી તમામ 21 દરખાસ્તોને મંજૂરી આપી છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય પશ્ચિમ અને દક્ષિણ વડોદરામાં પાણીની સમસ્યા હલ કરવાનો અને ચોમાસા બાદ રસ્તાઓની સ્થિતિ સુધારવાનો છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે પણ અમે વિશેષ વ્યવસ્થા મંજૂર કરી છે.”
વડોદરા પાલિકાએ વર્ષ 2026 માટેની 36,000 ડાયરીઓ છપાવવાની મંજૂરી સાથે આજના એજન્ડાને પૂર્ણ કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે કાગળ પર મંજૂર થયેલા આ કામો ગ્રાઉન્ડ લેવલ પર કેટલી ઝડપે અમલમાં આવે છે.