- દંડનો ધોકો: એક મહિનામાં 1,890 ચાલકો પાસેથી 42.86 લાખનો દંડ વસૂલાયો.
- મુખ્ય કારણ ઓવરસ્પીડ: 6 મહિનામાં 86 લોકોના મોત અકસ્માતને કારણે થયા.
- હાઈવે પર સતર્કતા: સૌથી વધુ 1,138 કેસ હાઇવે પરથી જ નોંધાયા.
- નવી સ્પીડ મર્યાદા: શહેરના વ્યસ્ત વિસ્તારોમાં હવે વાહનો 30 કિમીની ગતિએ જ દોડશે.
વડોદરા: વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવા અને બેફામ ગતિએ વાહન ચલાવતા ચાલકોને પાઠ ભણાવવા માટે ટ્રાફિક પોલીસે કમર કસી છે. સ્પીડગન મારફતે હાથ ધરવામાં આવેલી એક મહિનાની સ્પેશિયલ ડ્રાઇવમાં કુલ 1,890 વાહનચાલકોને 42.86 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
🧐સ્થિતિ ગંભીર:
છેલ્લા છ મહિનાના આંકડા જોઈએ તો વડોદરામાં માર્ગ અકસ્માતોમાં 86 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં ઓવરસ્પીડ સૌથી મુખ્ય પરિબળ બનીને ઉભરી આવ્યું છે. ટ્રાફિક પોલીસની કાર્યવાહીમાં સૌથી વધુ કેસ કાર ચાલકોના નોંધાયા છે. 1,890 કાર ચાલકોને 41.44 લાખનો દંડ કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય વાહનોના 33 કેસમાં 1.36 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. ખાસ કરીને હાઇવે પર ઓવરસ્પીડના 1,138 કેસ સામે આવ્યા છે, જે દર્શાવે છે કે હાઇવે પર હજુ પણ વાહનચાલકો સ્પીડ લિમિટને ગંભીરતાથી લેતા નથી.
🛑નવી સ્પીડ લિમિટના નિયમો:
શહેરના ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે પોલીસે વાહનોના પ્રકાર મુજબ સ્પીડ લિમિટ જાહેર કરી છે:
- 8 સીટવાળા વાહનો: 8પી કિમી/કલાક
- ટુ-વ્હીલર: 60 કિમી/કલાક
- ભારદારી માલવાહક વાહનો: 60 કિમી/કલાક
- થ્રી-વ્હીલર: 50 કિમી/કલાક
વધુમાં, શહેરના મુખ્ય વિસ્તાર એવા માંડવી, કાલાઘોડા-રેલવે સ્ટેશન રોડ, ચોખંડી, નવાબજાર અને ગાંધીનગર ગૃહ આસપાસના વિસ્તારોમાં તમામ વાહનો માટે સ્પીડ મર્યાદા માત્ર 30 કિમી પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે.