ગંદકીનું સામ્રાજ્ય:પીવાનું પાણી અને ટોયલેટની હાલત નરકાગાર; સ્વચ્છતા અભિયાનના દાવાઓની ખુલી પોલ.
ફાયર સેફ્ટી કાગળ પર:આગ જેવી આકસ્મિક સ્થિતિ માટેના સાધનો ધૂળ ખાતા; જનતાના જીવ સાથે ખિલવાડ.
ખાનગી માહિતી જોખમમાં:નાગરિકોના આવકના દાખલા અને ફોટોગ્રાફ્સ બેફામ રઝળતા લોકોમાં ભારે આક્રોશ.
વડોદરા: એક તરફ સરકાર ડિજિટલ ઈન્ડિયા અને ડેટા સિક્યોરિટીની મોટી-મોટી વાતો કરી રહી છે, ત્યારે બીજી તરફ વડોદરાના માંજલપુર સ્થિત દક્ષિણ ઝોન મામલતદાર કચેરીમાં સરકારી તંત્રની એવી બેદરકારી સામે આવી છે જે જાણીને તમે પણ ચોંકી જશો. કચેરીની અંદર નાગરિકોના અતિ મહત્વપૂર્ણ દસ્તાવેજો કચરાના ઢગલામાં રઝળતી હાલતમાં જોવા મળ્યા છે.
🧐દસ્તાવેજોનો કચરામાં ભરાવો:
કચેરીમાં અરજદારો દ્વારા જમા કરાવવામાં આવેલા આવકના દાખલા, [Aadhaar Redacted] ની નકલો, લાઈટ બિલ, ગેસ બિલ, રેશનકાર્ડ અને નાગરિકોના પાસપોર્ટ સાઈઝના ફોટાઓ જેવી સંવેદનશીલ માહિતી કચરાના ઢગલામાં રઝળતી જોવા મળી છે. કોઈ પણ જવાબદાર અધિકારીની દેખરેખ વગર આ દસ્તાવેજો બેફામ હાલતમાં પડ્યા હોવાથી, લોકોની ખાનગી માહિતી કોઈ ખોટા હાથમાં જવાની અને તેનો દુરુપયોગ થવાની પૂરેપૂરી શક્યતા છે. ડેટા પ્રાઈવસીના આ યુગમાં સરકારી કચેરીમાં જ જનતાની માહિતીની આ પ્રકારની દુર્દશાએ તંત્રની ગંભીરતા પર મોટો પ્રશ્નાર્થચિહ્ન મૂક્યો છે.
⚠️પાયાની સુવિધાઓનો અભાવ:
આટલું જ નહીં, કચેરીમાં અરજદારો માટેની પાયાની સુવિધાઓ પણ નહિવત છે. પીવાનું પાણી દયનીય હાલતમાં છે, જ્યારે ટોયલેટ અને બાથરૂમમાં ગંદકીના ગંજ ખડકાયેલા છે. ઠેરઠેર પાનની પિચકારીઓ અને કચરાના ઢગલા સાફ-સફાઈના દાવાઓની પોલ ખોલી રહ્યા છે. કચેરીમાં ફાયર સેફ્ટીના સાધનો પણ માત્ર શોભાના ગાંઠિયા સમાન ધૂળ ખાઈ રહ્યા છે. જો ક્યારેય આકસ્મિક આગ લાગે, તો મોટી જાનહાનિ સર્જાવાની પૂરી શક્યતા છે.
🗣️[જનતાનો આક્રોશ]
રોજબરોજ દૂર-દૂરથી સરકારી કામ માટે આવતા નાગરિકો આ પ્રકારની ગંદકી અને અરાજકતા જોઈને ભારે હાલાકી અનુભવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, “અમે અમારા દસ્તાવેજો સુરક્ષિત રહે તેવી આશા સાથે અહીં આપીએ છીએ, પરંતુ અહીં તો તે કચરામાં ફેંકવામાં આવે છે. આ તંત્રની નફ્ફટાઈની હદ છે.”
સરકારી કચેરીઓ પ્રજાની સેવા માટે હોય છે, પરંતુ અહીં તો સુવિધાઓના બદલે પ્રજાની સુરક્ષા અને સ્વચ્છતાની બંનેની વાટ લાગી રહી છે. ઉચ્ચ અધિકારીઓએ આ મામલે તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ, અન્યથા નાગરિકોના ડેટા સુરક્ષાના ગંભીર પ્રશ્નો ઊભા થશે