- નવનિયુક્ત ચેરમેને ડિવિડન્ડ કેટલું જાહેર કરવાનું છે એ ચાલુ મીટિંગે મેનેજરને પૂછવું પડ્યું
- પૂર્વ અભ્યાસનો અભાવ: પેટા કાયદામાં સુધારા અંગે પણ ચેરમેને અગાઉથી માહિતી લીધી ન હતી!
વડોદરા શહેર જીલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા ધી બરોડા સેન્ટ્રલ કો.ઓપ બેંકમાં આજે 110મી વર્ષીક સાધારણ સભા મળવા પામી હતી. જેમાં તાજેતરમાં સત્તા પર આવેલા ચેરમેન રાજેન્દ્રભાઇ પટેલે વાર્ષિક સાધારણ સભાના એજન્ડા વાંચીને સંભળાવ્યા હતા. જ્યારે માત્ર પાંચ મિનિટમાં કરોડોનો વહીવટ કરતી બેન્કની AGM આટોપી લેવામાં આવી હતી.
વડોદરા તેમજ છોટાઉદેપુર જીલ્લાની સૌથી નાણાંકીય સહકારી સંસ્થા ધી બરોડા સેન્ટ્રલ કો.ઓપરેટિવ બેંકમાં છેલ્લા 15 વર્ષથી ચેરમેન તરીકે અતુલ પટેલે ચાર્જ સંભાળ્યો હતો. અતુલ પટેલે ચાર્જ લીધો ત્યારે બેન્ક ખોટ કરતી હતી. અને લગભગ 129 કરોડની ખોટ સાથેની સંસ્થાને છેલ્લા બે વર્ષમાં નફામાં લઈ આવ્યા હતા.
અતુલ પટેલની આગેવાનીમાં બેંકની સામન્ય ચૂંટણી જીતેલા ડિરેક્ટરોમાં ગત 6 જૂને ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. ભાજપે આપેલા મેન્ડેડમાં ચેરમેન તરીકે રાજેન્દ્ર પટેલ અને વાઇસ ચેરમેન તરીકે હેમરાજસિંહ મહારાઉલનું નામ ખુલ્યું હતું. જ્યારે મેન્ડેડનો આદર રાખીને કોઈએ સામે ઉમેદવારી નહીં નોંધાવતા રાજેન્દ્ર પટેલ અને હેમરાજસિંહ મહારાઉલ બિનહરીફ થયા હતા.
નવા નિયુક્ત થયેલા ચેરમેન વાઇસ ચેરમેનના માથે 20 દિવસમાં જ વાર્ષિક સાધારણ સભાની જવાબદારી આવી પહોંચી હતી. જ્યારે આજે બેંકની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.
હરણી રોડ ખરીદ વેચાણ સંઘના ગોડાઉનમાં યોજાયેલી વાર્ષિક સાધારણ સભામાં તમામ ડિરેક્ટરો હાજર રહ્યા હતા.સાથે સાથે બેન્કના સભાસદ એવા જીલ્લાના સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.
પાંચ મિનિટમાં વાર્ષિક સાધારણ સભા પૂર્ણ
કરોડોનો વહીવટ કરનાર બેંકમાં વાર્ષિક હિસાબો વાર્ષિક સામાન્ય સભામાં રજૂ કરવા માટે ચેરમેને ફક્ત એક મિનિટનો સમય લીધો હતો. વાર્ષિક હિસાબો અને પાછલા વર્ષની ચાલુ વર્ષનો નફો તેમજ બેંકની આર્થિક સ્થિતિ અંગે માહિતી આપવા ઝીણવટ ભર્યો અભ્યાસ જરૂરી છે. જોકે નવા ચૂંટાયેલા ચેરમેને સ્ટાફ દ્વારા આપવામાં આવેલો માહિતી વાંચીને જ તમામ હિસાબો રજૂ કરી દીધા હતા.
ચેરમેને બે જ મિનિટમાં એજન્ડા વાંચીને બતાવ્યા,ડિવિડન્ડ અને પેટા કાયદા સુધારાની માહિતી જનરલ મેનેજરને પૂછવી પડી
110 મી વાર્ષિક સાધારણ સભામાં બેંક દ્વારા 8 એજન્ડા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં બેંકે 10 કરોડ ઉપરાંતનો નફો જાહેર કર્યો હોવાથી ડિવિડન્ડની વહેંચણી કરવાની નક્કી કર્યું હતું. સાથે સાથે બેંકન પેટા કાયદામાં સુધારો કરવાની દરખાસ્ત પણ મુકવામાં આવી હતી. જોકે ચેરમેન રાજેન્દ્ર પટેલ દ્વારા જ્યારે એજન્ડા વાંચવામાં આવતા હતા ત્યારે ડિવિડન્ડ જાહેર કરવાના મુદ્દામાં બેંક દ્વારા કેટલું ડિવિડન્ડ જાહેર કરવાનું નક્કી કર્યું છે તેની પણ માહિતી તેઓ પાસે હતી નહીં.. એજન્ડા વાંચતા વાંચતા તેઓએ જનરલ મેનેજરને ડિવિડન્ડ અંગે પૂછતા તેઓએ પાછળથી આવીને 7 ટકા ડિવિડન્ડ જાહેર કરાયુ છે તેવી માહિતી આપી હતી.
જ્યારે બેન્કના પેટા કાયદામાં સુધારા અંગે એજન્ડા વાંચતા તેની પણ માહિતી ચેરમેન પાસે નહતી. ચેરમેને જનરલ મેનેજરની પૂછીને સભાસદોને જવાબ આપ્યો હતો.
આમ વાર્ષિક હિસાબો રજૂ કરવામાં 1 મિનિટ અને એજન્ડા વાંચી જવામાં 2 મિનિટ અને સ્વાગત તેમજ આભાર વ્યક્ત કરવામાં બાકીનો સમય એમ કરીને ફક્ત પાંચ જ મિનિટમાં બેંકની 110મી વાર્ષિક સાધારણ સભા આટોપીને વિશ્વવિક્રમ સજર્યો હતો.