વડોદરા શહેરના ગોરવા BIDCમાં આવેલી કંપની માંથી કિંમતી વાલ્વની ચોરી કરનાર રીઢા તસ્કરોને ચોરીના વાલ્વ સાથે ઝડપી પાડીને 5 લાખ ઉપરાંતનો મુદ્દમાલ કબજે લીધો છે. પકડાયેલા રીઢા તસ્કરો ભુતકાળમાં શહેર જીલ્લાના 8 જેટલા ઘરફોડ ચોરીના ગુન્હામાં પકડાયા હોવાની પણ વિગતો સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ગોરવા BIDCમાં આવેલ ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની ફ્લોઝોન એન્જીનીયરીંગ સોલ્યુશન નામની કંપનીમાં ગત 17 માર્ચ થી 20 માર્ચના સમયગાળા દરમિયાન 83 નંગ જેટલા કિંમતી વાલ્વ જેની કિંમત 7,29,628ની ચોરી થઈ હતી.જે અંગે ગોરવા પોલીસ મથકે ચોરીનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો.
તસ્કરોની શોધખોળ ચાલી રહી હતી તે દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ગોરવા BIDC માંથી ચોરી થયેલા વાલ્વને મકરપુરા GIDCની નવકાર એન્ટરપ્રાઇઝ નામના શેડમાં મુકેલા છે. જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે સ્થળ પર જઈને તપાસ કરતા મકરપુરા GIDCનો નવકાર એન્ટરપ્રાઇઝમાં 69 જેટલા વાલ્વ મળી આવ્યા હતા. કંપની પરિસરમાં હાજર સોનુ બ્રિજરાજ ગુપ્તા રહે.ભગવતી સોસાયટી રણોલી,મનોજ લાલજી ઉપાધ્યાય રહે.ગાજરાવડી, સુભાષ પ્રકાશ શેઠિયા રહે. માંજલપુર ત્રણેય વ્યક્તિઓ સ્થળ પર મળી આવ્યા હતા. ત્રણેય પાસે વાલ્વના માલિકીના બિલ માંગતા તેઓ રજૂ કરી શક્યા ન હતા જેથી પોલીસે ત્રણેયની અટકાયત કરી વધુ પૂછપરછ કરી હતી.
ત્રણેય ઈસમોએ પોલીસની પૂછપરછમાં ગોરવા BIDCમાં થયેલી ચોરીની કબૂલાત કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે સ્થળ પરથી 69 જેટલા વાલ્વ તેમજ 6670 રોકડ મળીને 6,96,670નો મુદ્દમાલ કબજે લીધો હતો. જ્યારે દિવ્યાંગ ઉર્ફે નાનું રાણા રહે.રણોલીને વોન્ટેડ જાહેર કર્યો હતો.પકડાયેલો આરોપી સોનુ બ્રિજરાજ ગુપ્તા અગાઉ નંદેસરી,જવાહરનગર અને મંજુસર પોલીસ મથકમાં નોંધાયેલા ચોરીના ગુન્હામાં સંડોવાયેલો હોવાની હકીકત સામે આવી છે. જ્યારે વોન્ટેડ આરોપી દિવ્યાંગ રાણા ચોરી,ઘરફોડ,જુગાર સહિતના 8 જેટલા ગુન્હામાં ભૂતકાળમાં પકડાઈ ચુક્યો હોવાની વિગતો સામે આવી છે.