- યુનાઇટેડ વે ઓફ બરોડા ના નામે કરોડો રૂપિયાની એન્ટ્રી અન્ય નોન પ્રોફીટ કંપની યુનાઇટેડ વડોદરા ફાઉન્ડેશનમાં જાય છે
વડોદરાના જાણીતા ગરબા યુનાઇટેડ વેના આયોજકો સામે કાર્યવાહીની માંગ કરતી અરજી જાગૃત મહિલા વકીલ નિમિષા બેન ગજ્જર દ્વારા ચેરીટી કમિશનરને કરવામાં આવી છે. ચેરીટી કમિશનરને કરેલી અરજીમાં યુનાઇટેડ વે ઓફ બરોડા, અમિત ગોરડિયા, શિવિન્દરસિંઘ ચાવડા, રાકેશ અગ્રવાલ, મીનેશ નટુભાઇ પટેલ, પ્રીતીબેન વિમલભાઇ પટેલ, પરેશ સરૈયા, ભરત પટેલ, સમીર આર. પરીખ, પીનાકીન શાહ, હેમંત પી. શાહ, અરવિંદ નારાયણ નોપાણી, શ્રીમતિ હરનીલ કૌર ચાવલા, કુંજલભાઇ લલિતભાઇ પટેલ અને અતુલભાઇ હીરાભાઇ પટેલના નામોનો ઉલ્લેખ છે.
અરજીમાં જણાવ્યા અનુસાર, અગાઉ પરચુરણ અરજી તેમના સમક્ષ દાખલ કરવામાં આવી છે. જેમાં બે સંસ્થાઓ સમાંતર નામ ધરાવતી હોવાથી જૈ પૈકીની એક ચેટીરી કમિશનર, વડોદરા ખાતે નોંધાયેલી છે. જ્યારે અન્ય યુનાઇટેડ વડોદરા ફાઉન્ડેશન સેક્શન (8) કંપની તરીકે નોંધવામાં આવી છે. વર્ષોથી ગરબાનું આયોજન કરનાર યુનાઇટેડ વે ઓફ બરોડા ના નામે કરોડો રૂપિયાની એન્ટ્રી અન્ય નોન પ્રોફીટ કંપની યુનાઇટેડ વડોદરા ફાઉન્ડેશનમાં જાય છે. આમ તેમના દ્વારા કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે.
અરજીમાં વધુમાં જણાવ્યા અનુસાર, 2500 જેટલા વ્યક્તિઓએ નાણાં ચુકવ્યા બાદ તેમને પાસ મળ્યા નથી તેવી રજુઆત સોશિયલ મીડિયામાં જણાય છે. તે વિશે જીએસટી ચોરી તથા ટ્રસ્ટના એકાઉન્ટ બહાર પાસ વેચી નાણાંકિય ઉચાપતના ષડયંત્રનો આરોપ મુકવામાં આવ્યો છે. જો ગરબાના પાસની કાળા બજારી કરવામાં આવી હોય તો તેની પણ તપાસ કરવા માંગ કરવામાં આવી છે.
વર્ષ 2022 માં કાંકરા વાગવાની ઘટના અનુસંધાને કરેલી અરજી હાલ પેન્ડિંગ છે. તે સિવાય અન્ય બે અરજીઓ પણ પેન્ડિંગ છે. આ વર્ષે પાર્કિગમાં અને અંદર પુષ્કળ કાદવ કીચડ માં ચાલીને જવા માટે ખેલૈયાઓને ફરજ પડી છે. તથા ચાલવાની જગ્યાએ કાંકરા વાગરા હોવાથી લોકોને તકલીફ પડી રહી છે. ટ્રસ્ટના કસ્ટોડિયન તરીકે તાત્કાલીક દરમિયાનગીરી કરીને ગરબા ગ્રાઉન્ડની સ્થળ સ્થિતીનો અહેવાલ મંગાવી ટ્રસ્ટીઓ પાસેથી ખુલાસો માંગવા રજુઆતનો અરજીમાં ઉલ્લેખ છે.
વધુમાં અરજીમાં જણાવ્યા અનુસાર, ગરબા ગ્રાઉન્ડ પર યુનાઇટેડ વે ઓફ વડોદરા ડિસ્પ્લે થાય છે. જ્યારે ઇનામ વિતરણ યુનાઇટેડ વડોદરા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે. તેમના દ્વારા બે સમાંતર સંસ્થાઓ એક કાર્યક્રમમાં દર્શાવીને મોટી ઘૂંચવણ ઉપસ્થિત કરવામાં આવેલી છે. જેની નોંખ લઇ તપાસ કરવા માટે તથા કસુરવારો સામે પગલાં ભરવા માટે રજુઆત કરવામાં આવી છે. સાથે જ બાકીના નોરતાના ગરબા ચેરીટી કમિશનરના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવે અને નાણાંકિય વ્યવહારો પણ તેમના નિયંત્રણમાં રાખવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.
આ સાથે જ યુનાઇટેડ વે સામેની પેન્ડિંગ અરજીઓનો સત્વરે નિકાલ થાય, અને જ્યાં સુધી કોઇ નિર્ણય ના થાય ત્યાં સુધી વહીવટ ચેરીટી કમિશનર હસ્તગત લઇ લેવામાં આવે તેવો રજુઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.