Vadodara

વડોદરામાં દબાણ શાખાનો ‘બુલડોઝર એક્શન’: વોર્ડ-14માં દબાણોનો સફાયો.

Published

on

વડોદરા શહેરમાં દબાણખોરો સામે પાલિકાએ લાલ આંખ કરી છે. શહેરના વોર્ડ નંબર 14માં આજે વહેલી સવારથી જ મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાએ બુલડોઝર સાથે મોરચો સંભાળ્યો હતો. બાજવાડાથી લઈ હરણી અને પાણીગેટ સુધીના વિસ્તારોમાં રોડ પર પથરાયેલા દબાણોને હટાવી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા.

વડોદરાના અંતરિયાળ એવા બાજવાડા અને હરણી સ્વામિનારાયણ મંદિર આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી કાચા-પાકા દબાણોનો રાફડો ફાટ્યો હતો. સ્થાનિક કોર્પોરેટરોની સતત ફરિયાદો બાદ, આજે દબાણ શાખાની ટીમ પોલીસ કાફલા સાથે ત્રાટકી હતી.

👇કાર્યવાહીની મુખ્ય વિગતો:

  • બુલડોઝર ફેરવાયું: અંદાજે 20 જેટલા કાચા-પાકા ઓટલા, શેડ અને લારી-ગલ્લાઓ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું.
  • જપ્તી: પાલિકા દ્વારા કુલ ત્રણ ટ્રક ભરાય તેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો છે.
  • ચેતવણી: રસ્તા પર નળ પાસે રાખવામાં આવેલા પાણીના વાસણો હટાવવા માટે પણ સ્થાનિકોને કડક સૂચના અપાઈ હતી.

👉આ કાર્યવાહી દરમિયાન તંત્રએ માંસ-મટનનું વેચાણ કરતા વેપારીઓને પણ કડક શબ્દોમાં ચીમકી આપી છે. હરણી વિસ્તારમાં રોડ પર દેખાય તે રીતે મટન લટકાવતા દુકાનદારોને સ્પષ્ટ સૂચના અપાઈ છે કે, વેપાર એવી રીતે કરવો જેથી કોઈની ધાર્મિક લાગણી ન દુભાય. દુકાન આગળ પડદા રાખવાની ભલામણ સાથે તંત્રએ આ બાબતે અલગથી કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ખાતરી આપી છે.

🧐વર્ષોથી સાંકડા બનેલા રસ્તાઓ આજે ખુલ્લા થતા વાહનચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, કાર્યવાહી દરમિયાન લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, પરંતુ પોલીસની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો. હવે જોવાનું એ રહેશે કે આ રસ્તાઓ કેટલા સમય સુધી દબાણમુક્ત રહે છે.

Trending

Exit mobile version