- કરોડોની ઉચાપત: તરસાલી બાયપાસના પેટ્રોલ પંપ પર રૂ. 6.05 કરોડની છેતરપિંડી આચરવામાં આવી.
- વિશ્વાસઘાત: છેલ્લા 27 વર્ષથી મેનેજર તરીકે કામ કરતા ઉપેન્દ્ર પરમારે લાંબા સમયથી આ ગોల్માલ ચલાવી હતી.
- મોડસ ઓપરેન્ડી: ઓનલાઈન પેમેન્ટમાં હેરાફેરી, બોગસ ઇન્વૉઇસ અને ડિજિટલ સહીનો ગેરઉપયોગ કરી ખોટા હિસાબો બનાવાયા.
- પોલીસ કાર્યવાહી: પંપ માલિકની ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.
વડોદરા શહેરના નેશનલ હાઇવે નંબર-8 પર તરસાલી બાયપાસ પાસે આવેલા પેટ્રોલ પંપ પર વર્ષોથી ફરજ બજાવતા મેનેજરે જ માલિક સાથે કરોડો રૂપિયાની વિશ્વાસઘાત અને છેતરપિંડી આચર્યાનો ગંભીર મામલો સામે આવ્યો છે. ભારત પેટ્રોલિયમના હસ્તકના બાલાજી પેટ્રોલિયમ પંપના મેનેજરે ખોટા હિસાબો અને બોગસ ઇન્વૉઇસ ઊભા કરીને કુલ રૂ. 6.05 કરોડની ઉચાપત કરી હોવાની ફરિયાદ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
શું છે સમગ્ર પ્રકરણ?
મકરપુરા વિસ્તારમાં રહેતા 54 વર્ષીય આશિષ બનવારીલાલ સુદ તરસાલી બાયપાસ પાસે બાલાજી પેટ્રોલિયમ પંપ ધરાવે છે. તેમના પંપમાં છેલ્લા 27 વર્ષથી ઉપેન્દ્ર જગદીશ પરમાર (રહે. પૂજા ટેનામેન્ટ, દરબાર ચોકડી, માંજલપુર) મેનેજર અને કેશિયર તરીકે ફરજ બજાવતો હતો. વર્ષો જૂનો કર્મચારી હોવાથી તેના પર પૂરો વિશ્વાસ રાખીને હિસાબોની ચકાસણી કરવામાં આવતી નહોતી અને તે વોટ્સએપ મારફતે હિસાબ મોકલતો હતો.
જોકે, શંકા જતા હિસાબોની સઘન ચકાસણી કરવામાં આવતા અંદરની પોલ બહાર આવી હતી. સીસીટીવી ફૂટેજ ચકાસતા ઉપેન્દ્ર રોજનો હિસાબ કર્યા બાદ પોતાના ખિસ્સામાં 500 રૂપિયાના બંડલ નાખીને લઈ જતો હોવાનું નજરે પડ્યું હતું. આ ઉપરાંત, વર્ષ 2021 થી 2026 દરમિયાન ઓનલાઈન પેમેન્ટની રકમ વધુ દર્શાવી રોજની આવતી રોકડ રકમ હડપ કરી લેવામાં આવી હતી. અલગ-અલગ ટ્રાન્સપોર્ટ અને રોડવેઝના નામે બોગસ ઇન્વૉઇસ બનાવીને તેમજ પંપ માલિકની ડિજિટલ સહીનો પરવાનગી વગર ઉપયોગ કરીને ખોટા હિસાબો રજૂ કરાયા હોવાનું ખૂલ્યું છે. પોલીસ કમિશનરને અરજી કર્યા બાદ આ મામલે કપુરાઈ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.