Vadodara

વડોદરામાં પીએમ આવાસ યોજનામાં મોટું કૌભાંડ: ભાજપ નેતાના પુત્ર અને તેની ટોળકીએ દુકાન અપાવવાના નામે આચરી રૂ. 9.05 લાખની ઠગાઈ

Published

on

  • પીએમ આવાસ કૌભાંડ: સુભાનપુરા ઝાંસી રાણી આવાસ યોજનામાં દુકાન અપાવવાના નામે MGVCL ના કર્મચારી સાથે રૂ. 9.05 લાખની ઠગાઈ.
  • બોગસ સિક્કા અને સહીઓ: વડોદરા મનપા અને સબ રજિસ્ટ્રાર કચેરીના નામે ખોટા દસ્તાવેજો અને સિક્કા બનાવીને આચરવામાં આવ્યું મોટું છેતરપિંડીનું રેકેટ.
  • આરોપીઓની ઓળખ: ભાજપ નેતાના પુત્ર કશ્યપ જોષી દ્વારા પોતાની ઓળખ ‘ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી’ તરીકે આપી લોકોને ફસાવવામાં આવતા હતા.
  • ગોરવા પોલીસ મથકે ગુનો નોંધાયો: કશ્યપ જોષી, જીલ બારોટ, રોહન સોલંકી અને શુભમ મહાવર વિરુદ્ધ ગુનો નોંધી પોલીસ દ્વારા આગળની કાયદેસરની તપાસ હાથ ધરાઈ છે.

સંસ્કારી નગરી વડોદરામાંથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે આચરવામાં આવેલા એક અત્યંત ચોંકાવનારા અને મોટા છેતરપિંડીના રેકેટનો પર્દાફાશ થયો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આવાસ યોજનામાં સસ્તી દુકાનો અપાવવાની લાલચ આપીને ભાજપના એક નેતાના પુત્ર સહિત તેની ટોળકીએ નિર્દોષ્ નાગરિકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરી હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે ગોરવા પોલીસ મથકે ચાર શખ્સો વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, MGVCL માં આસિસ્ટન્ટ લાઇનમેન તરીકે ફરજ બજાવતા યુવકને નિશાન બનાવીને આ ઠગાઈ આચરવામાં આવી હતી. મુખ્ય આરોપી કશ્યપ જોષી પોતે ‘ગુજરાત હાઉસિંગ બોર્ડનો અધિકારી’ હોવાની ખોટી ઓળખ આપીને વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી ઝાંસી રાણી હાઉસિંગ યોજનામાં કમર્શિયલ દુકાન અપાવવાની લાલચ આપી હતી. આરોપીઓએ વિશ્વાસમાં લઈને ટુકડે-ટુકડે કરીને કુલ રૂ. 9,05,000 જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. માત્ર એટલું જ નહીં, પીડિતને કાયદેસરનો દસ્તાવેજ હોવાનો ભાસ કરાવવા માટે વડોદરા મહાનગરપાલિકા અને સબ રજિસ્ટ્રાર કચેરીના બોગસ સહી અને સિક્કાવાળા બનાવટી એલોટમેન્ટ લેટરો અને કાગળો તૈયાર કરીને આપી દીધા હતા.

​લાંબા સમય સુધી દુકાનનો કબ્જો કે ફાળવણી ન થતાં આશંકા ગઈ હતી, અને જ્યારે પીડિત દ્વારા સરકારી કચેરીઓમાં રૂબરૂ જઈને ખરાઈ કરવામાં આવી ત્યારે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પોતાના સાથે મોટી છેતરપિંડી થયાનું બહાર આવતા સમગ્ર મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ભાજપ નેતાના પુત્ર કશ્યપ જોષી ઉપરાંત તેના સાગરીતો જીલ બારોટ, રોહન સોલંકી અને શુભમ મહાવર વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડ અને સઘન તપાસ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Trending

Exit mobile version