વડોદરા શહેર પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને તકેદારીના પગલાઓ લેવામાં આવ્યા છે. જ્યાં બે દિવસ સતત પોલીસ જવાનો દ્વારા સમગ્ર શહેરમાં ચાંપતી નિગરાની રાખવામાં આવશે.
મધ્યગુજરાતમાં વડોદરાની ઉત્તરાયણ સમગ્ર દેશમાં વખણાય છે. તહેવારની ઉજવણી માટે વિદેશી મહેમાનો પણ વડોદરા આવે છે. ત્યારે શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય તે માટે શહેર પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જ્યાં પોલીસ કમિશ્નરના માર્ગદર્શન સાથે 7 DCP,12 ACP સહિત સ્થાનિક પોલીસ મથકની ટિમ તેમજ SOG,LCB,DCBની ટિમ પણ ખડેપગે તૈનાત રહેશે. શહેરના સંવેદનશીલ વિસ્તાર માંડવી ચાર દરવાજામાં કોમી એકતા જળવાઈ રહે તે માટે અગાસીઓ માં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. અને જરૂર લાગશે તો ડ્રોન કેમેરાથી પણ નિગરાની રાખવામાં આવશે.
ઉત્તરાયણની પૂર્વ રાત્રીએ શહેરના માંડવી વિસ્તારમાં યોજવામાં આવતા પતંગ હરાજી બજાર મામલે પણ પોલીસે ખાસ સૂચનો જાહેર કર્યા છે.જ્યાં ટ્રાફિકને પણ ડાયવર્ટ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. પતંગ હરાજી સમયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
પોલીસ વિભાગ દ્વારા સ્પષ્ટ સૂચન કરવામાં આવ્યું છે કે, સોશ્યલ મીડિયા પર તહેવારની ઉજવણી સમયે શહેરીજનોએ સંયમ રાખવો, પોલીસ દ્વારા પણ સોશ્યલ મીડિયા પર સતત નજર રાખીને ઉશ્કેરણી જનક પોસ્ટ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
શહેર પોલીસે ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ ગુબ્બારા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્રતિબંધિત દોરી અને તુકકલનો ઉપયોગ કરતા કઈ જણાશે તો તેના પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.