વડોદરાના ક્રિકેટ વર્તુળોમાં અત્યારે ૧૫ ફેબ્રુઆરીએ યોજાનારી બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) ની ચૂંટણીને લઈને ભારે ઉત્તેજના છે. એકતરફ સત્યમેવ જયતે અને રોયલ ગ્રુપનું ગઠબંધન સત્તાધારી પક્ષને ઘેરી રહ્યું છે, તો બીજી તરફ રિવાઇવલ31 ગ્રુપ પોતાના વિકાસકાર્યોના દમ પર મેદાનમાં છે. આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને વિકાસના વચનો વચ્ચે વડોદરાનું ક્રિકેટ રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે.
વડોદરામાં ક્રિકેટ માત્ર રમત નથી, પણ એક લાગણી છે. પરંતુ આ વખતે BCA ની ચૂંટણીમાં ‘ક્રિકેટ’ કરતા ‘વહીવટ’ અને ‘ખર્ચ’ ના મુદ્દાઓ વધુ ગાજી રહ્યા છે. શહેરના જાહેર માર્ગોથી લઈને ક્લબ હાઉસના બંધ બારણે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે.
૧. સત્યમેવ-રોયલ ગઠબંધનના પ્રહારો:
ગઠબંધન દ્વારા વર્તમાન શાસન પર નવા સ્ટેડિયમ પ્રોજેક્ટને લઈને ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
- બજેટમાં વધારો: આક્ષેપ છે કે જે પ્રોજેક્ટ રૂ. 100 કરોડમાં પૂર્ણ થવાનો હતો, તેનો ખર્ચ વધીને હવે રૂ. ૩૬૦ કરોડ સુધી પહોંચી ગયો છે.
- સમયનો વિલંબ: સ્ટેડિયમ બનતા 8 વર્ષ જેટલો લાંબો સમય કેમ લાગ્યો?
- પારદર્શિતાની માંગ: વિરોધ પક્ષે ટેન્ડર પ્રક્રિયા અને ઓડિટ રિપોર્ટ સાર્વજનિક કરવાની ઉગ્ર માંગ કરી છે.
૨. ટીમ પ્રદર્શન અને સુવિધાઓનો મુદ્દો:
ઇરફાન-યુસુફ પઠાણ અને હાર્દિક પંડ્યા જેવા સ્ટાર્સ આપનાર વડોદરાની સિનિયર ટીમો છેલ્લા કેટલાક સમયથી નોકઆઉટ સુધી પહોંચવામાં નિષ્ફળ રહી છે. વિરોધ પક્ષનું કહેવું છે કે માત્ર ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ થી કંઈ નહીં વળે, ગ્રાસરૂટ લેવલે મજબૂત કોચિંગ અને પારદર્શક પસંદગીની જરૂર છે. સાથોસાથ મહિલા ક્રિકેટરો માટે સ્થાયી પ્રેક્ટિસ સુવિધાનો અભાવ પણ એક મોટો ચૂંટણી મુદ્દો બન્યો છે.
૩. રિવાઇવલ31 જૂથનો બચાવ અને દાવા:
બીજી તરફ, રિવાઇવલ31 જૂથે આક્ષેપોને નકારી કાઢતા પોતાની સિદ્ધિઓ ગણાવી છે:
- વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ: કોટંબી ખાતે ભવ્ય સ્ટેડિયમનું નિર્માણ પૂર્ણ કર્યું છે, જેની BCCI એ પણ પ્રશંસા કરી છે.
- આધુનિક ક્લબ હાઉસ: સભ્યો માટે શહેરની વચ્ચે અદ્યતન ક્લબ હાઉસ બનાવવાની જાહેરાત કરી છે.
- ખેલાડી કલ્યાણ: પૂર્વ ક્રિકેટરો અને વિધવાઓ માટે વિશેષ સહાય યોજનાઓ પર કામ ચાલી રહ્યું હોવાનું જણાવ્યું છે.
👉બંને જૂથો પોતપોતાના દાવાઓ સાથે મતદારોને રિઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે 15 ફેબ્રુઆરીએ BCA ના સભ્યો ‘અનુભવ’ ને મત આપે છે કે ‘પરિવર્તન’ ને.