Vadodara

અધિકારીઓ કમિશનરના કહ્યામાં નથી? બાર દિવસ અગાઉ રજૂઆત છતાં નાળાની સફાઈ ન થઈ -કોર્પોરેટર આશિષ જોશી

Published

on

  • 25 થી 3પી સોસાયટીઓમાં પાણી ભરાયા: વાઘોડિયા રોડ પર કલાદર્શન અને આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા.
  • 12 દિવસ અગાઉ રજૂઆત: નાળાની સફાઈ માટે અગાઉ રજૂઆત કરાઈ હોવા છતાં તંત્ર દ્વારા સમયસર કામગીરી કરાઈ ન હતી.
  • કોર્પોરેટર આશિષ જોશીના આક્ષેપો: તંત્રની નિષ્કાળજી અને અધિકારીઓ કમિશનરના કહ્યામાં ન હોવાના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા.
  • મોડેથી શરૂ કરાઈ સફાઈ: વિવાદ વધ્યા બાદ આજે સવારે કોર્પોરેશન દ્વારા નાળાની સફાઈની કામગીરી આદલવામાં આવી છે.

વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાંથી વરસાદી પાણીનો નિકાલ કરતા મુખ્ય નાળા (કાંસ) ની સફાઈ સમયસર ન કરવામાં આવવાને કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. નિયમિત સફાઈના અભાવે કલાદર્શન અને તેની આજુબાજુની 25 થી 30 જેટલી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આ મામલે વોર્ડ નંબર 15 ના કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોશીએ કોર્પોરેશનના તંત્રની કામગીરી સામે લાલઘૂમ થઈને ગંભીર આક્ષેપો કર્યા છે.

કોર્પોરેટર આશિષ જોશીના જણાવ્યા અનુસાર, વાઘોડિયા રોડ વિસ્તારના પાણીના નિકાલ માટેના મુખ્ય વરસાદી કાંસની સફાઈ કરવા અંગે બાર દિવસ અગાઉ જ તંત્રને લેખિત કે મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં કોર્પોરેશનના લાપરવાહ તંત્ર દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં નહોતી આવી. પરિણામે, છેલ્લા બે-ત્રણ દિવસથી શરૂ થયેલા વરસાદને કારણે કાંસ ચોક થઈ ગયો હતો અને કલાદર્શન તેમજ આસપાસની 20 થી 25 સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા હતા, જેને લીધે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે જો આ મહત્વની કામગીરી દસ-બાર દિવસ અગાઉ જ કરી દેવામાં આવી હોત, તો આજે આ વિસ્તારમાં પાણી ભરાવવાની આ વિકટ પરિસ્થિતિ ઉપસ્થિત જ ન થઈ હોત. તંત્રની નિષ્કાળજીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા બાદ આજે સવારે મોડેથી તંત્ર જાગ્યું છે અને સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણમાં મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોરતા તેમણે આક્ષેપ કર્યો છે કે કોર્પોરેશનના નીચલા સ્તરના અધિકારીઓ અને કર્મચારીઓ કમિશનરના આદેશોને પણ ગંભીરતાથી લેતા નથી અને પોતાની મનમાની ચલાવી રહ્યા છે, જેના કારણે પ્રજાએ ભોગવવું પડી રહ્યું છે.

Trending

Exit mobile version