- વગર પરવાનગીનું આયોજન: જૂના પાણીગેટ પોલીસ સ્ટેશન પાસે જાહેર રસ્તા પર ચકડોળ માટે પંડાલ બાંધવામાં આવી રહ્યો હતો.
- પોલીસની ઓચિંતી તપાસ: નાઇટ પેટ્રોલીંગ દરમિયાન પોલીસે દરોડો પાડી મંજૂરી માંગતા કોઈ દસ્તાવેજ ન મળ્યા.
- માલસામાન જપ્ત: પોલીસે સ્થળ પર પંચનામું કરીને પંડાલ બાંધવાનો તમામ સામાન જપ્ત કર્યો.
- ચાર શખસો સામે ગુનો: પ્રેમ કહાર, જીગર કહાર, સન્ની કહાર અને હર્ષ કહાર વિરુદ્ધ પાણીગેટ પોલીસ મથકે ગુનો નોંધાયો.
વડોદરા: વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં કોઈપણ પ્રકારની અધિકૃત મંજૂરી વગર જાહેર રસ્તા પર ચકડોળ બેસાડવા માટે પંડાલ બાંધી રહેલા ઇસમો સામે પોલીસે લાલ આંખ કરી છે. પોલીસે સ્થળ પર પહોંચીને પંડાલનો માલસામાન જપ્ત કરી ચાર શખસો વિરુદ્ધ કાયદેસરની ગુનાહિત કાર્યવાહી હાથ ધરી છે.
🧐શું હતી સમગ્ર ઘટના?
પ્રાપ્ત વિગતો અનુસાર, સોમવારે સાંજે પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન સાંજના આશરે ૭:૩૦ વાગ્યાના સુમારે જૂના પાણીગેટ પોલીસ સ્ટેશન પાસે જાહેર રસ્તા પર કેટલાક ઇસમો લાકડાના પાટ અને પતરાં લગાડીને પંડાલ બાંધી રહ્યા હતા. પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર જઈને તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે અહીં કોઈ પણ અધિકૃત પરવાનગી વગર ચકડોળ બેસાડવાની તૈયારીઓ ચાલી રહી હતી.
પોલીસે સ્થળ પર હાજર ઇસમો પાસે પંડાલ બાંધવા અથવા મનોરંજન માટેના આ સાધનો ઊભા કરવા અંગેની પોલીસ મંજૂરી કે જરૂરી આધાર-પુરાવા માંગ્યા હતા, પરંતુ તેઓ કોઈ જ પરવાનગી રજૂ કરી શક્યા ન હતા. જેથી પોલીસે તાત્કાલિક સ્થળ પર પંચનામું કરી પંડાલનો માલસામાન જપ્ત કર્યો હતો. આ પ્રકરણે પોલીસે પ્રેમ દિનેશભાઈ કહાર (ઉં.વ.૨૨), જીગર દિનેશભાઈ કહાર (ઉં.વ.૨૬), સન્ની પુનમભાઈ કહાર (ઉં.વ.૨૬) અને હર્ષ રાજેશભાઈ કહાર (ઉં.વ.૨૨) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.