Vadodara

વડોદરામાં રાજકીય વગનો રોપ જમાવનાર જીમ સંચાલક લોકેશ શર્મા વિરુદ્ધ મહિલાની ફરિયાદ: પતિ ન મળતા મહિલાને ઉઠાવી લેવાની ધમકી

Published

on

  • જીમ સંચાલક સામે ગુનો: ભાજપના હોદ્દેદારો સાથે ફોટા મૂકી રોપ જમાવતા લોકેશ શર્મા અને તેના સાગરીતો સામે ફરિયાદ.
  • મહિલાને ઉઠાવી લેવાની ધમકી: પતિ સાથેના ઝઘડાની અદાવતમાં હથિયારો સાથે ધસી આવી ધમકી આપ્યાનો આક્ષેપ.
  • સીસીટીવી ફૂટેજ પુરાવા: આરોપીઓ બુલેટ અને વાહનો સાથે ઘર આસપાસ આંટાફેરા મારતા કેમેરામાં કેદ થયા.
  • પોલીસ કાર્યવાહી અને મહિલાની ગુહાર: માંજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પીડિત મહિલાએ સુરક્ષા અને ન્યાયની માંગ કરી છે.

વડોદરા: વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ફ્રીડમ ગ્રુપ સાથે સંકળાયેલ અને ભાજપના ઉચ્ચ હોદ્દેદારો સાથેના ફોટા પડાવી રોપ જમાવતા જીમ સંચાલક લોકેશ શર્મા તથા તેના સાગરીતો સામે એક મહિલાએ ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

🧐શું છે સમગ્ર ઘટના?

પ્રાપ્ત વિગતો અનુસાર, મહિલાના પતિ સાથે થયેલા કોઈક ઝઘડાની અદાવત રાખીને લોકેશ શર્મા અને તેના સાગરીતો તેમને શોધી રહ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, લોકેશ શર્મા અને તેના સાગરીતો હોકી તથા ધારદાર હથિયારો સાથે મહિલાના જેઠના ઘર પાસે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં કોઈ ન મળતા તેઓ સરસ્વતી કોમ્પ્લેક્સ પાસે બેઠા હતા. દરમિયાન, તે રસ્તેથી પસાર થઈ રહેલી મહિલાનો પીછો કરી “પતિ ન મળે તો આ મહિલાને જ ઉઠાવી લો” તેવી ગંભીર ધમકી આપ્યાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો મહિલાના દિયરના ઘર પાસે બુલેટ લઈને આંટાફેરા મારતા લોકેશ શર્મા અને તેના સાગરીતોના સીસીટીવી (CCTV) ફૂટેજમાં પણ કેદ થયા છે.

આ મામલે લોકેશ શર્મા, બાલા ઐયર અને નિલેશ કહાર સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં BNS કલમ ૨૯૬(બ), ૩૫૧(૨) અને ૫૪ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

🚨પીડિત મહિલાની ન્યાય માટે અપીલ

આ ઘટના બાદ ભયના સાયાયા હેઠળ જીવી રહેલી પીડિત મહિલાએ વડોદરા શહેરની તમામ મીડિયા ચેનલો અને પત્રકારોને ન્યાય માટે આહવાન કર્યું છે. મહિલાએ જણાવ્યું છે કે, આરોપી રાજકીય ઓળખ અને ભાજપનો ખેસ પહેરીને પોતાની વગ બતાવી રહ્યો છે, પરંતુ કાયદો કોઈનાથી ઉપર ન હોવો જોઈએ. તેમને અને તેમના પરિવારને જાનમાલની સુરક્ષાનો ગંભીર ભય સતાવી રહ્યો છે, ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ તેમની સુરક્ષાને ગંભીરતાથી લે તેવી તેમની ઉગ્ર માંગ છે.

Trending

Exit mobile version