ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, વડોદરા દ્વારા આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં વડોદરા જિલ્લાની બિનસરકારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ માટે નવનિયુક્ત ૯૯ શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ. આર. પાંડેની અધ્યક્ષતામાં યોજાયો હતો. શ્રી પાંડેએ તમામ નવનિયુક્ત શિક્ષણ સહાયકોનું હાર્દિક સ્વાગત કરતા તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સંચાલક મંડળના પ્રમુખ શ્રી આર. સી. પટેલે પણ આ પ્રસંગે આશીર્વચન આપતાં તમામને અભિનંદન પાઠવ્યા હતા.
નિમણૂક પામેલા ૯૯ શિક્ષણ સહાયકોમાં વિવિધ વિષયોના શિક્ષકોનો સમાવેશ થાય છે, જે શાળાકીય શિક્ષણને વધુ મજબૂત બનાવશે. વિષયવાર વિગતો પર નજર કરીએ તો, કોમ્પ્યુટર વિષયના ૧, અંગ્રેજીના ૧૯, ગુજરાતીના ૧૧, હિંદી વિષયના ચાર, ગણિત/વિજ્ઞાનના ૪૨, સંસ્કૃતના ૨, સામાજિક વિજ્ઞાનના ૧૯ અને યોગ વિષયના એક શિક્ષણ સહાયકનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં શિક્ષણ સંઘના તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિમણૂક પામનાર તમામ ઉમેદવારોના ચહેરા પર ઉત્સાહ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો, અને સૌએ ગુજરાત સરકાર તેમજ સંબંધિત વિભાગો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. આ નિમણૂકોથી વડોદરા જિલ્લાના શિક્ષણ સ્તરમાં વધુ સુધારો થશે અને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત થશે.