Vadodara

વડોદરા: અકસ્માતનો બદલો લેવા બાઈક ચોરી કરનાર શખ્સ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં

Published

on

વડોદરા: શહેરમાં બનતા વાહનચોરીના ગુનાઓ ડામી દેવા અને વણશોધાયેલા ગુનાઓ ઉકેલવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમો પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમીના આધારે પાણીગેટ વિસ્તારમાંથી એક શખ્સને શંકાસ્પદ બાઈક સાથે ઝડપી પાડી વાહનચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.

ક્રાઇમ બ્રાન્ચની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે પાણીગેટ શ્રદ્ધાદીપ સોસાયટી પાસે એક યુવક શંકાસ્પદ બાઈક સાથે ઉભો છે. પોલીસે સ્થળ પર પહોંચી અક્ષયભાઈ અશોકભાઈ રાવળ (ઉં.વ. ૩૦, રહે. રાઘવપુર, વડોદરા) ને ઝડપી પાડ્યો હતો. તેની પાસે રહેલી બજાજ પ્લેટીના મોટરસાયકલ અંગે કાગળો માંગતા તે સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો.

⚠️અકસ્માતનો બદલો લેવા કરી ચોરી

પોલીસની સઘન પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી અક્ષયે જણાવ્યું હતું કે:

  • દિવાળી પહેલા ધનિયાવી રોડ પર તેની એક્ટિવા અને આ બજાજ પ્લેટીના બાઈક વચ્ચે અકસ્માત થયો હતો.
  • અકસ્માતમાં એક્ટિવાને થયેલા નુકસાનના પૈસા માંગવા છતાં બાઈક ચાલકે પૈસા આપ્યા નહોતા.
  • આ બાબતની અદાવત રાખી આરોપીએ તે સમયે બાઈકનો નંબર નોંધી લીધો હતો.
  • ગત ૩૧ ડિસેમ્બરના રોજ તરસાલી બાયપાસ પાસે આ જ બાઈક દેખાતા, તેણે મોકાનો ફાયદો ઉઠાવી તેની ચોરી કરી હતી.

👮 મુદ્દામાલ અને કાયદેસરની કાર્યવાહી

પોલીસે આરોપી પાસેથી ₹૨૫,૦૦૦ ની કિંમતની બજાજ પ્લેટીના મોટરસાયકલ કબજે કરી છે. આ અંગે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ગુનો(ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૦૩૦/૨૦૨૬ BNS કલમ ૩૦૩(૨)) નોંધાયેલ હોય, ક્રાઇમ બ્રાન્ચે આરોપી અને મુદ્દામાલનો કબજો કપુરાઈ પોલીસને સોંપી આગળની તપાસ હાથ ધરી છે.વડોદરા ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવી હતી.

Trending

Exit mobile version