SOG ની લાલ આંખ:વડોદરામાં ડમી ગ્રાહક મોકલી પ્રતાપનગર મેડિકલ સ્ટોર પર SOG એ બિછાવી જાળ; નશાકારક સીરપ અને ગોળીઓનો મોટો જથ્થો જપ્ત.
નિયમોની એસી-તૈસી:ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં ખુલાસો; સ્ટોક રજીસ્ટરનો અભાવ અને પ્રિસ્ક્રિપ્શન વગર ખુલ્લેઆમ વેચાણ.
નશામુક્ત વડોદરા અભિયાન:પોલીસ કમિશનરની કડક સૂચના બાદ શહેરભરમાં મેડિકલ સ્ટોર્સ અને ગોડાઉનોમાં તપાસનો ધમધમાટ.
સંચાલકો સામે કાર્યવાહી:પ્રતાપનગર મેડિકલના સંચાલક સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાયદેસરની કાર્યવાહી તેજ.
વડોદરા: વડોદરા શહેરને ‘નશામુક્ત’ બનાવવાના અભિયાન અંતર્ગત પોલીસ કમિશનર નરસિંહ કોમરના આદેશથી વડોદરા SOG પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વાડી વિસ્તારમાં આવેલા પ્રતાપનગર મેડિકલ સ્ટોર પર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવાઓનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે પોલીસે સફળ ટ્રેપ ગોઠવી હતી.
🧐ટ્રેપ અને દરોડો:
SOG પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. જીતીયા અને તેમની ટીમે વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સાથે રાખીને ‘પ્રતાપનગર મેડિકલ’ (સન હાઈટ્સ, આર.વી. દેસાઈ રોડ) પર દરોડો પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન પોલીસે એક ડમી ગ્રાહક મોકલ્યો હતો, જેણે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવા માંગતા મેડિકલ સ્ટોરના સંચાલકોએ કોઈપણ પૂછપરછ વગર નશાકારક સીરપ અને દવાઓ પકડાવી દીધી હતી.
❓શું મળી આવ્યું?
મેડિકલ સ્ટોરની તપાસ કરતા પોલીસને ત્યાંથી મોટી માત્રામાં નશાકારક કફ સીરપ અને ગોળીઓનો જથ્થો મળી આવ્યો હતો. વધુમાં, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ જ્યારે સ્ટોક રજીસ્ટરની ચકાસણી કરી, ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. સંચાલકો દ્વારા કોઈ પણ પ્રકારનું સ્ટોક રજીસ્ટર મેન્ટેન કરવામાં આવ્યું ન હતું, જે ગંભીર બેદરકારી દર્શાવે છે.
🚨તંત્રની કડક કાર્યવાહી:
પોલીસની આ સફળ કામગીરી બાદ, હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સદર મેડિકલ સ્ટોરના સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ દરોડાથી શહેરના અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા મેડિકલ સ્ટોર સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
🫵યુવાધનને નશાના રવાડે ચઢાવતા આવા મેડિકલ સ્ટોર્સ સામે SOG ની આ કાર્યવાહી શહેરના વાલીઓ માટે રાહતરૂપ છે. શું હવે આવા મેડિકલ સ્ટોર્સના લાયસન્સ રદ થશે?