જિલ્લા કક્ષાએ સમયમર્યાદામાં ચકાસણી પૂર્ણ કરવા સહિતના માર્ગદર્શક સૂચનો કર્યા
આજે સરકીટ હાઉસ ખાતે ફી નિયમન સમિતિના વડોદરા ઝોનના અધ્યક્ષ શ્રી એમ. એસ. સિંધીના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડોદરા ઝોનમાં સમાવિષ્ટ સાત જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ સહભાગી થયા હતા.
અધ્યક્ષશ્રી સિંધીએ પૂર્વ પ્રાથમિક શાળાઓની ફી મંજૂર કરાવવા, યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકો જ શિક્ષણ કાર્ય કરે, તેમજ સ્ટાફ પગાર, ભાડું અને મેઈન્ટેનન્સ જેવા ખર્ચાઓમાં ગેરવ્યાજબી વધારો ન થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે જિલ્લા કક્ષાએ સમયમર્યાદામાં ચકાસણી સાથેની ફાઈલો સ્વીકારવામાં આવે તે સુનિશ્ચિત કરવા સૂચન કર્યું હતું. કોઈ પણ શાળા ફી નિર્ધારણ વગર ન રહી જાય તેની ખાસ કાળજી રાખવા પણ તેમણે જણાવ્યું હતું.
વધુમાં, અધ્યક્ષશ્રીએ માહિતી આપી હતી કે વર્ષ ૨૦૨૫-૨૬થી એફિડેવિટ કરનાર શાળાઓ માટે ઓનલાઈન ફી નિર્ધારણની વ્યવસ્થા સાથેનું નવું પોર્ટલ સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. જોકે, દરખાસ્તની પ્રક્રિયા ઓફલાઈન જ રહેશે તેમ તેમણે સ્પષ્ટતા કરી હતી.
બેઠકના પ્રારંભે વડોદરા ઝોનના ચીફ કો-ઓર્ડિનેટર અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ. આર. પાંડેએ સૌને આવકાર્યા હતા અને ફી નિયમન પ્રક્રિયા સંબંધિત ઉપયોગી સૂચનો આપી અન્ય શિક્ષણાધિકારીશ્રીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આભારવિધિ શિક્ષણ નિરીક્ષક (ફી નિયમન સમિતિ) શ્રી શિવાંગીબેન શાસ્ત્રીએ કરી હતી. આ બેઠકમાં સમિતિના સભ્ય સર્વ શ્રી ડી. એન. રાજપૂત, જે. બી. પટેલ અને કે. એ. બ્રહ્મભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા.