- વિશ્વામિત્રી બચાવો સમિતિએ મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર આપીને રજુઆત કરાઈ
- 27 મીટરના રોડ પર પણ દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ
વડોદરા શહેરના સર્વાંગી હિતમાં કામ કરતી સંસ્થા વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા આજે કારેલીબાગ રાત્રી બજારથી સમાં GIPCL સર્કલ તરફ જવાના 27 મીટરના માર્ગ પર ખાનગી બિલ્ડર દ્વારા કરવામાં આવેલા દબાણો અંગે મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જયારે મુખ્ય માર્ગ પર કરવામાં આવેલા દબાણો દુર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
શહેરના મંગલપાંડે રોડ પર અગાઉ બનેલા સંજય નગરના ઝુંપડાઓ તોડીને સ્લમરીહેબીલેશન યોજના હેઠળ PPP ધોરણે આવાસ બનાવીને રોડ તરફની જમીન પર મોલ તેમજ મલ્ટીપ્લેક્ષનું કોમર્શીયલ બાંધકામ કરવામાં આવી રહ્યું છે.
આ બાંધકામ શરુ થયું ત્યારથી અનેક વિવાદો થયા હતા. વિશ્વામિત્રી નદીમાં દબાણ કરાયું હોવાની રજુઆતો પણ થઇ હતી. જે બાદ વિશ્વામિત્રીનદીના દબાણો મામલે હાઈકોર્ટમાં PIL પણ દાખલ કરવામાં આવી હતી.
આજે વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર આપીને 27 મીટરના મુખ્ય માર્ગ પર અગોરા સીટી સેન્ટરના બિલ્ડર દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી હતી. વિશ્વામિત્રી બચાવો સમિતિના શૈલેશ અમીને જણાવ્યું હતું કે નકશામાં બતાવેલા 27 મીટરના રોડ પર ફૂટપાથ પણ જોવા મળતો નથી.
એટલું જ નહિ પાલિકાએ બનાવેલા ગટરમાં પણ ફેરફાર કરીને તેના ઉપર પણ દબાણો કરી દેવામાં આવ્યા છે. આ અંગે મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરીને દબાણો દુર કરવાની માંગણી કરવામાં આવી છે.