વડોદરા તાલુકાના ચાપડ ગામે TP રસ્તાઓ અને ડ્રેનેજ લાઈનની ચાલી રહેલી કામગીરી દરમિયાન ગામના એક નાગરિકનું ખોદેલા ખાડામાં પડવાને કારણે મોત નીપજ્યું છે. જયારે ગ્રામજનો વુડાની કામગીરી સામે રોષ પ્રગટ કરીને કાર્યવાહીની માંગ સાથે ગોત્રી GMERS હોસ્પિટલ ખાતે એકત્રિત થયા હતા.જ્યાં તેઓએ મુત્દેહ નહિ સ્વીકારીને ભારે હોબાળો મચાવ્યો હતો.
વડોદરા તાલુકાના ગામોમાં વુડા દ્વારા નવી ટીપી સ્કીમો માટે “વગડામાં વિકાસ” કરવામાં આવી રહ્યો છે. ટી.પી સ્કીમના રસ્તાઓ અને ડ્રેનેજલાઈનના કામને પ્રાથમિકતા આપીને ખેતરોમાં ડામર રોડ અને ડ્રેનેજ લાઈન નાખવામાં આવી રહ્યા છે. આ કામગીરીમાં કોઈ પણ પ્રકારની તકેદારી વુડાના અધિકારીઓ કે ઈજારદાર દ્વારા રાખવામાં આવતી નથી. જેના કારણે ગ્રામજનો પરેશાન થઇ ગયા છે. રોડની કામગીરીના સાથે ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. જેની માટે 10 થી 15 ફૂટ ઊંડા ખાડાઓ કરવામાં આવ્યા છે. આ ખાડાઓને સંરક્ષિત કરવામાં આવ્યા નથી. અને આવતા જતા લોકો કે ઢોર અંદર પડી જાય તેવી રીતે ખુલ્લા જ મૂકી દેવામાં આવ્યા છે.
થોડા સમય પહેલા ચાપડ ગામના સરપંચ રાજેશભાઈ પરમાર દ્વારા આવા જોખમી ખાડાઓને કોર્ડન કરવા માટે વુડાના ઈજનેર અમન પટેલ અને ઈજારદાર શિવાલય ઇન્ફ્રાના માણસોને રજૂઆત કરવામાં આવી હતી. જયારે વુડાના ઈજનેરે ઉદ્ધત જવાબ આપીને “આ તમારો વિષય નથી” તેમ કહીને ખાડાઓ કોર્ડન કર્યા ન હતા.
આજે સવારે 7 વાગ્યે ચાપડ ગામના ટ્યુબવેલ ફળિયામાં રહેતા મુકેશભાઈ વસવા દડ્રેનેજ માટે ખોદેલા ખાડામાં પડી જતા તેઓનું કરુણ અવસાન થયું હતું. જેઓનો મૃતદેહ ગોત્રી GMERS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સરપંચ સહીત ગ્રામજનો પણ પહોચ્યા હતા.
વુડાના અધિકારી અને ઈજારદારને વારંવારની રજુઆતો છતાંય કોઈ કાર્યવાહી નહિ કરતા આજે ખાડામાં પડી જવાને કારણે એક ગ્રામજનનું અવસાન થતા ગામમાં રોષની લાગણી વ્યાપી હતી. ઉદ્ધત જવાબ આપનાર વુડાના અધિકારી સામે પણ ભારે રોષ વ્યાપ્યો હતો. ગ્રામજનોએ પોસ્ટમોર્ટમ રૂમ ખાતેથી મૃતદેહ નહિ સ્વીકારીને હોબાળો મચાવ્યો હતો. સરપંચ સહીત ગ્રામજનોની માંગણી હતી કે જ્યાં સુધી બેદરકારી દાખવનાર વુડાના ઈજનેર અમન પટેલ અને ઈજારદાર શિવાલય સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહિ આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારીશું નહિ!