- ધારાસભ્યોના લાખ ધમપછાડા બાદ ફરી એક વાર પ્રમુખ-ઉપપ્રમુખની જૂની જોડી સત્તામાં
- સહકારી વિભાગના જાણકાર અને મજબૂત સંગઠનના માહિર દિનુમામાં ફરી વાર પ્રમુખ બન્યા
- હવે બે વર્ષ માટે ડેરીના પ્રમુખ ઉપપ્રમુખ પદ ની જગ્યા ભરાઈ ગઈ
છેલ્લા એક વર્ષથી વિવાદમાં રહેલી વડોદરા જીલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા ઘી બરોડા જીલ્લા દૂધ ઉત્પાદક સંઘના પ્રમુખ પદે આજે ફરી એક વાર પાદરાના પૂર્વ ધારાસભ્ય અને ડેરીના પૂર્વ પ્રમુખ દીનુમામા ની વરણી કરવામાં આવી છે. જ્યાં આજે મોટી સંખ્યામાં દીનુંમામાના સમર્થકો ડેરી ખાતે ઉમટી આવ્યા હતા.
બરોડા ડેરીના શાસકો દૂધ ઉત્પાદકોનવા પોષણક્ષમ ભાવ આપતા નથી તેમ કહીને જીલ્લાના ત્રણ ધારાસભ્યો બરોડા ડેરીના જે તે વખતના સશકો સામે આંદોલન શરૂ કર્યું હતું. જેમાં ડેરી સામે ધારાસભ્યો ધરણા પર પણ બેસી ગયા હતા.લાંબા વિવાદ બાદ બરોડા ડેરીના પ્રમુખ દીનુમામા અને ઉપપ્રમુખ જી.બી સોલંકીએ રાજીનામુ આપી દીધું હતું. રાજીનામુ આપ્યા બાદ લગભગ 6 મહિના સુધી બરોડા ડેરીમાં વચગાળાના કાર્યકારી પ્રમુખ પદે સતિષ નિશાળીયા અને કાર્યકારી ઉપપ્રમુખ તરીકે કિરપાલસિંહ મહારાઉલની વરણી કરવામાં આવી હતી.
દર અઢી વર્ષે ડેરીના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાય છે જેમાં અઢી વર્ષ પુરા થતા ફરી એક વાર બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી. જોકે તે સમયે ડેરીના તમામ ડિરેક્ટરોએ ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેડનો વિરોધ કરતા ચૂંટણી ભારે તોફાની બની હતી. અને ચૂંટણી અધિકારી જ હાજર નહીં રહેતા ચૂંટણીને મુલત્વી કરવામાં આવી હતી. જોકે ત્યાર બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષની મધ્યસ્થી થી પ્રમુખ પદે સતિષ પટેલ નિશાળીયા અને ઉપપ્રમુખ પદે કિરપાલસિંહ રાઉલજીના સ્થાને ફરી વાર જી.બી સોલંકીને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા હતા.
આ સમયગાળા દરમિયાન એક સાથે જીલ્લા ભાજપ પ્રમુખ અને બરોડા ડેરીના પ્રમુખ એમ બે હોદ્દાઓ ભોગવતા સતિષ પટેલ સામે જીલ્લા ભાજપમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. ભાજપની પરંપરા પ્રમાણે એક વ્યક્તિ પાસે બે હોદ્દા હોય તો તેણે એક હોદ્દો સ્વેચ્છાએ છોડવો પડે, અને જો હોદ્દો ન છોડે તો પ્રદેશ ભાજપ રાજીનામુ પણ માંગી લે..
જ્યારે ગત 31 ઓક્ટોબરે ડેરીના અઢી વર્ષ માટે વરણી થયેલા પ્રમુખ સતિષ પટેલે તેઓના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જ્યારે પ્રમુખ પદની ખાલી જગ્યા માટે આજે ફરી એક વાર ચૂંટણી યોજવામાં આવી હતી. વડોદરા શહેર જીલ્લા પ્રભારી અને પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા આજે પ્રમુખ પદ માટે મેન્ડેડ લઈને આવી પહોંચ્યા હતા અને પ્રમુખ તરીકે ફરી એક વાર દિનેશ પટેલ ઉર્ફે દિનુમામાંના નામની જાહેરાત કરવામાં આવી હતી.ફરી એક વાર પ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા બાદ દિનુમામાંના સમર્થકોએ મોટી સંખ્યામાં હાજરી આપીને ઉજવણી કરી હતી.