વડોદરા નજીક મારેઠા ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પીલર કામગીરી સ્થળે 9.5 ફૂટ લાંબો અને અંદાજે 150 કિલો વજનનો મહાકાય મગર દેખાતા કામદારોમાં ભારે ચકચાર મચી ગઈ. ચોમાસું પૂર્ણ થયા છતાં વડોદરા આસપાસ મગરોની હાજરીની ઘટનાઓ યથાવત રહેતી જોવા મળી રહી છે.નદીની બાજુમાં ચાલી રહેલા કામ દરમિયાન આ મગર અણધાર્યા રીતે 30 ફૂટ ઊંડા કીચડ ભરેલા ખાડામાં ફસાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ જીવદયા પ્રેમી હેમંત વઢવાણા તથા વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ. હેમંત વઢવાણા, સંદીપ ગુપ્તા, ભાવેશ બારીયા, વિપુલ ચાવડા, દિક્ષિત પટેલ અને મયુરભાઈના સંકલનથી લગભગ બે કલાક સુધી ચાલેલું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું.કીચડમાં ફસાયેલ મગરને બહાર કાઢવું મુશ્કેલ હોવાથી ક્રેઈન અને જાડા દોરડાનો ઉપયોગ કરવો પડ્યો. સતત પ્રયાસો બાદ મગરને કોઈ ઈજા ન થાય તે રીતે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી ગયો.
બાદમાં તેને વિશ્વામિત્રી નદી વિસ્તારમાં સલામત રીતે છોડવામાં આવ્યો.હેમંત વઢવાણાએ જણાવ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ વિશ્વામિત્રી નદીની નજીક હોવાને કારણે આ વિસ્તારમાં મગરો અવારનવાર ભટકી આવી જાય છે, પરંતુ સ્થાનિક વન વિભાગના સહકારથી દરેક વખતના રેસ્ક્યુ સફળતાપૂર્વક પૂર્ણ થાય છે.