ભ્રષ્ટાચારથી ખદબદી રહેલા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગનું રૂપિયા 40 લાખનું વધુ એક કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. શિક્ષણના પાઠ ભણાવનાર સરકારી બાબુઓએ બે વિદ્યાર્થીઓ માટે પ્રશ્નપત્ર, ઉત્તરવહી અને પુરવણી પેપર માટે રૂપિયા 40 લાખનો ખર્ચ બતાવી કૌભાંડ આચર્યુ હોવાનું બહાર આવ્યું છે.
વડોદરા જિલ્લા પંચાયતનું શિક્ષણ વિભાગ છાશવારે ગોટાળા અને ગેરવહીવટને કારણે ચર્ચામાં આવે છે. જ્યાં દેશના ભવિષ્ય એવા ભૂલકાઓને પ્રાથમિક શિક્ષણ અપાય છે, એવી શાળાઓના સંચાલનમાં ગોટાળા થતા હોય ત્યા બાળકોના ભવિષ્યનું ઘડતર કેવી રીતે થાય ? તાજેતરમાં જિલ્લા પંચાયતનું શિક્ષણ વિભાગ રૂપિયા 40 લાખના ગોટાળા માટે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ તરફથી અપાયેલી માહિતી મુજબ વર્ષ 2023 અને 2024 ના શૈક્ષણિક વર્ષમા કુલ 92957 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ઉત્તરવહી, પુરવણી અને પ્રશ્નપત્રોનો ખર્ચ રૂપિયા 69, 47, 469 થયો હતો. ત્યાર બાદ એક વર્ષ પછી એટલે કે વર્ષ 2024 અને 2025 ના શૈક્ષણિક વર્ષમાં કુલ 92959 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં પુરવણી, ઉત્તરવહી અને પ્રશ્નપત્રોનો ખર્ચ માત્ર રૂપિયા 29, 77, 069 થયો હતો. વર્ષ 2023ની પરીક્ષામાં ખર્ચ થાય છે રૂપિયા 69, 46, 469 અને ત્યાર બાદ વર્ષ 2024 મા ગત વર્ષની સરખામણીમાં બે વિદ્યાર્થી વધ્યા છતાં 40 લાખ રૂપિયાનો ખર્ચ ઘટ્યો હતો . ટૂંકમાં જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગે ગત વર્ષે રૂપિયા 40 લાખ વધુ ચૂકવ્યા હતા.
જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના રૂપિયા 40 લાખના કૌભાંડ અંગે જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય અર્જુનસિંહ પઢીયારે જણાવ્યું હતું કે, આ વિગતો મારી પાસે આવી ત્યારે મેં સત્તાવાર માહિતી જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ પાસે માંગી હતી. જેમાં વિદ્યાર્થીઓની પરિક્ષા માટે ખરીદવામાં આવેલી પુરવણી, પ્રશ્નપત્રો અને ઉત્તરવાહિણીના બે વર્ષના ખર્ચમાં તફાવત આવ્યો હતો.
સામાન્ય સભામાં સવાલ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે બે વિદ્યાર્થીઓ ની સંખ્યા વધુ હતી ત્યારે ખર્ચ ઓછો હતો. અને બીજા વર્ષે બે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો ત્યારે ખર્ચમાં રૂપિયા 40 લાખોનો વધારો બતાવવામા આવ્યો છે. આ અંગે તા. 30 જુલાઇના રોજ મળેલી સામાન્ય સભામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મુકેશ પાંડેને સવાલ કરતા તેઓ જવાબ આપી શક્યા નથી. આથી આ ગોટાળાની તપાસ માગવામાં આવી છે. અલબત્ત પ્રજાના ટેક્સના નાણાં ચાઉં કરી જનારાઓની તપાસ કરી કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.
મળેલી માહિતી પ્રમાણે જિલ્લા પંચાયતની સભામાં કોંગ્રેસના સભ્ય અર્જુનસિંહ પઢિયારે સભાગૃહમાં હાજર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મુકેશ પાંડે પાસે ઉત્તરવહી, પુરવણી અને પ્રશ્નપત્રોની ખરીદી માટે કરેલા ખર્ચ અંગે ખુલાસો માંગતા પરસેવો છૂટી ગયો હતો. અને તેઓએ કાગળના ભાવ વધારાનું વાહિયાત કારણ રજૂ કરી જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પંચાયત સભ્યએ જવાબનો અસ્વીકાર કરી આ ગોટાળાની તપાસ ઉપર અડગ રહ્યા હતા.
જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમા થયેલા રૂપિયા 40 લાખના કૌભાંડ ચર્ચાનો વિષય બનતા અને પ્રથમ દ્રષ્ટિએ સ્પષ્ટ જણાઈ આવેલા રૂપિયા 40 લાખના ગોટાળા અંગે પ્રમુખ ગાયત્રીબેન મહિડાએ ડી.ડી.ઓ ને તપાસ કરવાના આદેશ કર્યા છે. અને તપાસ દરમિયાન જે કોઇની જવાબદારી નક્કી થાય તેની સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગમા આ પહેલી વારના ગોટાળા નથી. ભૂતકાળમાં શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં અપાતી સંગીત સહિતની કીટમા પણ લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ થયા છે. જિલ્લા પંચાયતના ભાજપના સાશનમાં સરકારી બાબુઓને જિલ્લા પ્રાથમિક શિક્ષણનું સ્તર ઉંચુ આવે તેમાં કોઇ રસ નથી. પરંતુ ભાજપ શાસકોના આશિર્વાદથી ભ્રષ્ટાચાર આચરવામાં વધુ રસ છે.