Vadodara

કોસમોસ બેંકના લોકર માંથી ગ્રાહકના 35 તોલા સોનાના દાગીના ગાયબ થયા,બેન્ક કર્મચારીઓ શંકાના દાયરામાં!

Published

on

નાગરિકો પોતાની કિંમતી ચીજવસ્તુઓની સુરક્ષા માટે બેન્ક પર ભરોસો કરે છે. ગ્રાહકને બેંકમાં આપવામાં આવતી લોકર સુવિધાને લઈને લોકો પોતાના કીમતી દાગીનાઓ બેંકના લોકરમાં મૂકીને સુરક્ષિત થઈ જતા હોય છે. જોકે હવે બેંકના લોકર પણ સુરક્ષિત ન રહ્યા હોય તેવો એક કિસ્સો સપાટી પર આવ્યો છે. જ્યા ગ્રાહકે બેન્કના લોકરમાં મુકેલા દાગીના લોકર માંથી મળી નહીં આવતા પોલીસ સંપર્ક સાધ્યો છે.

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી કોસ્મોસ કો ઓપરેટિવ બેન્કમાં ખાતું ધરાવતા નરેન્દ્રભાઈ શાહ લોકરની સુવિધા પણ મેળવી રહ્યા હતા. તેઓના 1212A નંબરના લોકરમાં સોનાની બંગડી, લગડી, ચેન, બ્રેસલેટ, લકી સહિત 10 જેટલા સિક્કાઓ પણ મુકેલા હતા. આ સાથે ચાંદીના દાગીનાઓ પણ સાચવીને કોસ્મોસ બેંકના લોકરમાં મૂકવામાં આવ્યા હતા.

આજે ગ્રાહક નરેન્દ્રભાઈ શાહ તેઓના પત્ની સાથે બેંકના લોકર માંથી દાગીના કાઢવા ગયા ત્યારે લોકરની અંદર મૂકેલી એલ્યુમિનિયમની પેટીનું તાળું ગાયબ હોવાનું જાણવા મળતા તેઓને શંકા ગઈ હતી. લોકરની પેટી ખોલીને જોતા સોના ચાંદીના દાગીના પૈકી સોનાના તમામ દાગીનાઓ ગાયબ કરી દેવામાં આવ્યા હોય તેમ જણાયું હતું.

આશરે 35 તોલા જેટલા સોનાના દાગીના બેંકના લોકર માંથી ગુમ થતા ગ્રાહક નરેન્દ્રભાઈએ બેંક કર્મચારીઓ અને મેનેજરને પ્રશ્ન પૂછ્યા હતા. જોકે કોસમોસ બેંકના મેનેજર પાસે આ બાબતે કોઈ જવાબ ન હતો. ઉપરથી બેંક મેનેજર દ્વારા આ વિષયને અંદરો અંદર સમજી લેવા માટે પણ નરેન્દ્રભાઈ શાહને જણાવ્યું હતું. આ અંગે ગ્રાહક નરેન્દ્રભાઈ શાહે બેન્ક લોકર માંથી દાગીના ચોરી થયાની ઘટના અંગે બાપોદ પોલીસનો સંપર્ક કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે,નાગરિકો બેંકની લોકર વ્યવસ્થાને ખૂબ સુરક્ષિત સમજીને પોતાના જીવનની પૂંજી સમાન દાગીનાઓ લોકરમાં મૂકે છે. બેંકમાં 24 કલાક રહેતી સિક્યુરિટીથી નાગરિકો પોતાની કિંમતી ચીજવસ્તુઓ સુરક્ષિત સમજતા હોય ત્યારે બેંકનું તાળું તૂટયા વગર કોઈ એક લોકર માંથી દાગીના ગાયબ થવાની ઘટના અનેક પ્રશ્નો ઉભા કરે છે.

Trending

Exit mobile version