પ્રયાગરાજના પવિત્ર માઘ મેળામાં મૌની અમાસના પવિત્ર પર્વે જ એક મોટો વિવાદ છેડાઈ ગયો છે. જ્યોતિષ પીઠના સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને મેળા વહીવટીતંત્ર સામસામે આવી ગયા છે. સ્થિતિ એટલી વણસી છે કે શંકરાચાર્ય અત્યારે ધરણા પર બેઠા છે અને દેશભરનો સંત સમાજ સરકાર અને પોલીસ વિરુદ્ધ મેદાને ઉતર્યો છે.
રવિવારે સવારે જ્યારે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પાલખીમાં સવાર થઈ સંગમ સ્નાન માટે જઈ રહ્યા હતા, ત્યારે પોલીસે તેમને ઘાટથી 50 મીટર દૂર અટકાવ્યા હતા. પોલીસે પ્રોટોકોલ અને ભીડનું કારણ આપી પગપાળા જવા વિનંતી કરી, પરંતુ મામલો ત્યારે બિચક્યો જ્યારે અનુયાયીઓ અને પોલીસ વચ્ચે ધક્કા-મુક્કી થઈ. આક્ષેપ છે કે પોલીસે સંતોના વાળ પકડ્યા અને તેમની સાથે અભદ્ર વર્તન કર્યું. આ અપમાનના વિરોધમાં શંકરાચાર્યએ સ્નાન કર્યા વગર જ પરત ફરીને ધરણા શરૂ કરી દીધા છે.
આ ઘટના પર પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સનાતન ધર્મને નબળો પાડનારા ‘કપટી તત્વો’ થી સાવધ રહેવાની સલાહ આપી છે. તો બીજી તરફ, વિપક્ષી નેતા અખિલેશ યાદવે આકરા પ્રહારો કરતા કહ્યું કે, “જગદગુરુનું અપમાન એ તમામ સનાતનીઓનું અપમાન છે.”
🕉️સંતોના મંતવ્યો:
- કથાવાચક અનિરુદ્ધાચાર્ય: “શું બંધારણ સાધુઓની ચોટલી પકડવાનો અધિકાર આપે છે? તંત્રએ માફી માંગવી જ જોઈએ.”
- બાબા રામદેવ: “ધાર્મિક સ્થળોએ અહંકાર ન હોવો જોઈએ, પરંતુ સાધુઓ સાથે ખરાબ વ્યવહાર પણ અસ્વીકાર્ય છે.”
- સ્વામી સદાનંદ સરસ્વતી (દ્વારકા પીઠ): આ ઘટનાની કડક શબ્દોમાં ટીકા કરી તેને અક્ષમ્ય ગણાવી છે.
🧐વર્તમાન સ્થિતિ
મેળા ઓથોરિટીએ અવિમુક્તેશ્વરાનંદને તેમના ‘શંકરાચાર્ય’ ના હોદ્દા પર સવાલ ઉઠાવતી નોટિસ ફટકારી છે, જેના જવાબમાં સ્વામીએ 8 પાનાનો પત્ર લખીને સ્પષ્ટ કર્યું છે કે તેઓ જ કાયદેસરના શંકરાચાર્ય છે. હરિદ્વારમાં અખાડાઓએ ચેતવણી આપી છે કે જો તંત્ર માફી નહીં માંગે તો આંદોલન વધુ ઉગ્ર બનશે.
🫵આ વિવાદ હવે માત્ર વહીવટી રહ્યો નથી, પરંતુ ધાર્મિક અને રાજકીય લડાઈ બની ગયો છે. શું યોગી સરકાર આ મામલે મધ્યસ્થી કરશે કે પછી સંતોનો રોષ વધુ ભભૂકશે? તે જોવું રહ્યું.