જાન્યુઆરી 2025માં પ્રમુખ ટ્રમ્પે બે જ લિંગોની માન્યતાનો કાર્યકારી આદેશ જાહેર કર્યો હતો.
- અમેરિકાની સુપ્રીમ કોર્ટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પાસપોર્ટ સંબંધિત જૅન્ડર ઓળખ નીતિને માન્યતા આપી.
- પાસપોર્ટ અરજદારો હવે ફક્ત “પુરુષ” અથવા “સ્ત્રી” તરીકે જ લિંગ પસંદ કરી શકશે.
- ટ્રાન્સજેન્ડર સમુદાયે આ નિર્ણયને પોતાના અધિકારો પર પ્રહાર ગણાવ્યો.
અમેરિકાની સુપ્રીમ કોર્ટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રને એક મોટી કાનૂની રાહત આપી છે.
કોર્ટએ એ નીતિને અમલમાં લાવવાની મંજૂરી આપી દીધી છે, જેના અંતર્ગત હવે પાસપોર્ટ અરજદારોને તેમની લિંગ ઓળખ – એટલે કે જૅન્ડર આઇડેન્ટિટી – પસંદ કરવાની છૂટ નહીં હોય.
આ નવા નિયમ મુજબ, પાસપોર્ટમાં લિંગ તરીકે માત્ર “પુરુષ” અને “સ્ત્રી” બે વિકલ્પ જ ઉપલબ્ધ રહેશે. એટલે કે, અરજદારોનું લિંગ તેમના જન્મ પ્રમાણપત્ર પ્રમાણે જ નોંધાશે.
આ નિર્ણયને ટ્રાન્સજેન્ડર સમુદાયના અધિકારો પર ગંભીર પ્રહાર તરીકે જોવામાં આવી રહ્યો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસની વિનંતી બાદ, સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટના પ્રતિબંધને દૂર કર્યો છે, જેના પરિણામે ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિ હવે તાત્કાલિક અમલમાં આવી શકે છે.
ગત જાન્યુઆરીમાં પ્રમુખ ટ્રમ્પે કાર્યકારી આદેશ જારી કર્યો હતો કે યુનાઇટેડ સ્ટેટ્સ ફક્ત બે લિંગ – પુરુષ અને સ્ત્રી – ને જ માન્ય રાખશે. ત્યારબાદ સ્ટેટ ડિપાર્ટમેન્ટે પાસપોર્ટ નિયમોમાં સુધારો કર્યો હતો.
કોર્ટના બહુમત ન્યાયાધીશોએ કહ્યું છે કે સરકાર ફક્ત જન્મ સમયે નોંધાયેલ ઐતિહાસિક માહિતી જ દર્શાવે છે અને કોઈ વ્યક્તિ કે સમુહ સામે ભેદભાવ કરતી નથી.
તેમ છતાં, ત્રણ ઉદારવાદી ન્યાયાધીશોએ આ નિર્ણયનો કડક વિરોધ કર્યો છે. તેમના કહેવા મુજબ, આ નિયમ ટ્રાન્સજેન્ડર લોકોને વધુ જોખમ, હિંસા અને ભેદભાવ તરફ ધકેલી શકે છે.
આ સાથે, ટ્રમ્પના આદેશ સામે ચાલતો ક્લાસ-એક્શન મુકદ્દમો યથાવત રહ્યો છે, પરંતુ સુપ્રીમ કોર્ટના આ તાજેતરના નિર્ણયથી વહીવટીતંત્રને નીતિ અમલ માટે લીલો ઈશારો મળી ગયો છે.