અફઘાનિસ્તાનના ઉત્તરીય ભાગમાં સોમવારે વહેલી સવારે જોરદાર ભૂકંપ આવ્યો હતો. યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) અનુસાર, રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.3 નોંધાઈ હતી. આ ભૂકંપમાં અનેક લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
USGS દ્વારા જાહેર કરાયેલ માહિતી અનુસાર, ભૂકંપની ગહનતા જમીનની સપાટીથી 28 કિલોમીટર જેટલી હતી અને તેનું કેન્દ્ર મઝાર-એ-શરીફ નજીકના ખુલ્મ વિસ્તારમાં હતું. રાજધાની કાબુલ સહિત અનેક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકો ઘરોમાંથી બહાર દોડી ગયા હતા.બલ્ખ પ્રાંતની રાજધાની મઝાર-એ-શરીફ શહેરમાં મધરાતે લોકોમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું હતું.
એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે ભૂકંપ સમયે તેમનો પરિવાર જાગી ગયો હતો અને બાળકો ડરીને નીચે ભાગી ગયા હતા.નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (NCS)એ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે ભૂકંપની અસર માત્ર અફઘાનિસ્તાનમાં જ નહીં પરંતુ તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તુર્કમેનિસ્તાનના કેટલાક વિસ્તારોમાં પણ જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, લગભગ બે મહિના પહેલા અફઘાનિસ્તાનના પૂર્વીય ભાગમાં આવેલા વિનાશકારી ભૂકંપમાં 2200થી વધુ લોકોનાં મોત થયા હતા, અને હવે ફરી ઉત્તર ભાગમાં કંપનથી દેશમાં દહેશત ફેલાઈ છે.