હવામાન વિભાગે આગામી દસ દિવસ સુધી વરસાદની સંભાવના નકારી છે. સરકાર હવે માત્ર પાનખરના અંતના વરસાદની આશા રાખી રહી છે.
- તેહરાનના મુખ્ય લાતિયન અને કરજ બંધોમાં હવે માત્ર 10 ટકા કરતાં પણ ઓછું પાણી બચ્યું.
- વરસાદમાં 92 ટકાનો ઘટાડો નોંધાયો છે અને બાકી રહેલું મોટાભાગનું પાણી ઉપયોગયોગ્ય નથી.
- જો સ્થિતિ ન સુધરે તો રાત્રિના સમયે પાણીનો પ્રવાહ શૂન્ય સુધી ઘટાડી શકાય.
ઈરાન હાલમાં તેના ઇતિહાસના સૌથી ભીષણ દુષ્કાળનો સામનો કરી રહ્યું છે. છ દાયકામાં પહેલીવાર પરિસ્થિતિ એટલી ચિંતાજનક બની છે કે રાજધાની તેહરાનમાં પીવાનું પાણી ખતમ થવાની અણી પર છે.રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને ચેતવણી આપી છે કે જો નવેમ્બરના અંત સુધી વરસાદ નહીં પડે, તો સરકારને પાણીની સપ્લાય મર્યાદિત કરવી પડશે.
સ્થિતિ વધુ વકરે તો તેહરાન ખાલી કરવાની પણ ફરજ પડી શકે છે.અધિકારીઓના જણાવ્યા મુજબ તેહરાનના મુખ્ય લાતિયન અને કરજ બંધોમાં હવે માત્ર 10 ટકા કરતાં પણ ઓછું પાણી બચ્યું છે. વરસાદમાં 92 ટકાનો ઘટાડો નોંધાયો છે અને બાકી રહેલું મોટાભાગનું પાણી ઉપયોગયોગ્ય નથી.સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક વિસ્તારોમાં કલાકો સુધી પાણી આવતું નથી.
ઊર્જા મંત્રી અબ્બાસ અલી અબાદીએ કહ્યું છે કે, જો સ્થિતિ ન સુધરે તો રાત્રિના સમયે પાણીનો પ્રવાહ શૂન્ય સુધી ઘટાડી શકાય છે. વધુ પાણી વાપરનાર વિસ્તારોમાં દંડ અને સપ્લાય મર્યાદાના પગલાં માટે પણ સરકાર તૈયાર છે.આ વચ્ચે, સાંસદ મોહસિન અરાકીએ વિવાદાસ્પદ નિવેદન આપતાં જણાવ્યું કે મહિલાઓ હિજાબ વિના ફરતી હોવાથી અલ્લાહે વરસાદ રોકી દીધો છે—જે નિવેદનથી આંતરિક વિવાદ ઉભો થયો છે.
હવામાન વિભાગે આગામી દસ દિવસ સુધી વરસાદની સંભાવના નકારી છે. સરકાર હવે માત્ર પાનખરના અંતના વરસાદની આશા રાખી રહી છે. આ દુષ્કાળ માત્ર તેહરાન પૂરતો સીમિત નથી; પશ્ચિમ અને પૂર્વ અઝરબૈજાન, તેમજ મરકઝી પ્રાંતના ડેમોમાં પણ પાણીનું સ્તર ચિંતાજનક રીતે ઘટી રહ્યું છે.