33 વર્ષ બાદ અમેરિકા ફરી કરશે ન્યૂક્લિયર હથિયારનું ટેસ્ટિંગ, ટ્રમ્પે કરેલે મોટી જાહેરાત
- આ નિર્ણય રશિયા અને ચીનના પરમાણુ પ્રોગ્રામને ધ્યાને લઈ લેવામાં આવ્યો છે.
- ટ્રમ્પે પેન્ટાગનને તાત્કાલિક આ હથિયારોનું ટેસ્ટિંગ શરૂ કરવા આદેશ આપ્યો છે.
- સત્તાવાર ટેસ્ટિંગ સ્થળ અને સમયરેખા અંગે આ સપ્તાહમાં વધુ માહિતી મળશે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે જાહેરાત કરી છે કે અમેરિકા ફરી એકવાર ન્યૂક્લિયર હથિયારોનું પરીક્ષણ શરૂ કરવા જઈ રહ્યું છે. આ નિર્ણય 33 વર્ષ બાદ લેવામાં આવ્યો છે. 1992માં અમેરિકાએ પોતે જ પરમાણુ હથિયારના ટેસ્ટિંગ પર પ્રતિબંધ લાદ્યો હતો.ટ્રમ્પે આ જાહેરાત ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે યોજાનારી મહત્વપૂર્ણ બેઠકના થોડી મિનિટ પહેલાં કરી હતી. તેમણે આ પગલાને “વિશાળ વ્યૂહાત્મક નિર્ણય” ગણાવ્યો છે.
રશિયાએ તાજેતરમાં વિશ્વનું સૌથી ખતરનાક પરમાણુ સબમરીન ડ્રોન ટેસ્ટ કર્યા બાદ અમેરિકા અને યુરોપિયન યુનિયનમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. ટ્રમ્પે રશિયાનાં આ પગલાને પડકાર રૂપ માની તાત્કાલિક ધોરણે પરમાણુ પરીક્ષણનો આદેશ આપ્યો હોવાનું સૂત્રો જણાવે છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, પ્રમુખ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરી હતી કે, રશિયા અને ચીન બંને પરમાણુ શક્તિને આક્રમક રીતે આગળ ધપી રહ્યા છે જ્યારે અમેરિકા સ્થિર છે. તેમણે કહ્યું કે અમેરિકા પાછળ નહીં રહે અને હવે તે પણ તેના પરમાણુ હથિયાર કાર્યક્રમને આગળ વધારે છે.ટ્રમ્પે જણાવ્યું કે હાલ અમેરિકા પાસે વિશ્વમાં સૌથી વધુ પરમાણુ હથિયાર છે, જ્યારે રશિયા બીજા અને ચીન ત્રીજા ક્રમે છે. પરંતુ આગામી પાંચ વર્ષમાં ચીન સમકક્ષ સ્થાને પહોંચી શકે છે.
તેમણે ઉમેર્યું કે પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન અમેરિકાનાં પરમાણુ હથિયારોને સંપૂર્ણપણે અપગ્રેડ કરવામાં આવ્યા હતા, પરંતુ બદલાતી વૈશ્વિક પરિસ્થિતિને કારણે હવે ફરી ટેસ્ટિંગ જરૂરી બની ગયું છે.હાલ અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગન તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ અપેક્ષા છે કે આ સપ્તાહના અંત સુધી સંરક્ષણ અધિકારીઓ સંભવિત પરીક્ષણ સ્થળ અને સમયરેખા અંગે માહિતી આપશે.