સીધો સંઘર્ષ:અમેરિકાએ ઈરાની સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કર્યા, જેનો ઈરાને જોર્ડન અને કુવૈતમાં વળતો જવાબ આપ્યો.
ભયાનક સ્થિતિ:જોર્ડનમાં એર બેઝ પર બેલિસ્ટિક મિસાઈલ હુમલા, બહેરીન અને કુવૈતમાં પણ તણાવ.
ઈરાનનો આક્રોશ:વિદેશ મંત્રાલયે હુમલાને ‘બર્બર’ અને ‘યુદ્ધ અપરાધ’ ગણાવ્યો.
વૈશ્વિક સમાચાર: મધ્ય-પૂર્વમાં ફરી એકવાર યુદ્ધની આગ ભભૂકી ઉઠી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ હવે સીધા સૈન્ય સંઘર્ષમાં ફેરવાઈ ગયો છે. બુધવારે રાત્રે અમેરિકા દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાઓએ ઈરાનના અહવાઝમાં આવેલી ‘શાહિદ બકાઈ’ કેન્સર હોસ્પિટલને નિશાન બનાવતા વિશ્વભરમાં આક્રોશ ફેલાયો છે.
હુમલાની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જ્યારે 211 બાળકો કીમોથેરાપી જેવી ગંભીર સારવાર લઈ રહ્યા હતા, ત્યારે જ અમેરિકી મિસાઈલો ત્રાટકી હતી. હોસ્પિટલ પ્રશાસને જીવના જોખમે આ તમામ માસૂમ દર્દીઓને તાત્કાલિક અન્ય સ્થળે ખસેડવા પડ્યા હતા. ઈરાનના વિદેશ મંત્રાલયે આ ઘટનાને ‘યુદ્ધ અપરાધ’ અને ‘કાયરતાપૂર્ણ હુમલો’ ગણાવી પશ્ચિમી દેશોની માનવાધિકારની વાતો પર સવાલો ઉઠાવ્યા છે.
અમેરિકાના હુમલાના જવાબમાં તેહરાને પણ આક્રમક વલણ અપનાવ્યું છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સે જોર્ડનમાં અમેરિકી એર બેઝ પર બેલિસ્ટિક મિસાઈલો છોડી છે. બીજી તરફ, કુવૈતની સેનાએ પણ ઈરાન તરફથી થયેલા ડ્રોન હુમલાની પુષ્ટિ કરી છે અને તેમની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દીધી છે. બહેરીનમાં પણ એર રેડ સાયરન વાગતા નાગરિકોમાં ભયનો માહોલ છે.
🗣️વૈશ્વિક ચિંતા:
અમેરિકાના હુમલાનો વ્યાપ બંદર અબ્બાસથી લઈને તેહરાન સુધી વિસ્તર્યો છે, જ્યાં એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવેટ કરવી પડી છે. ઈરાને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો અમેરિકા તેમના પાવર પ્લાન્ટ કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરવાનું ચાલુ રાખશે, તો તેઓ સમગ્ર વિસ્તારને નિશાન બનાવશે. મધ્ય-પૂર્વમાં સર્જાયેલી આ સ્થિતિ વૈશ્વિક શાંતિ માટે અત્યંત જોખમી સાબિત થઈ રહી છે.