- શંકર રાઠવા જોડે ગઇ સરપંચની ચૂંટણીમાં ઝઘડો થયો હતો. તે વખતે તેણે કુલદીપને મારી નાંખવાની ધમકી આપી હતી છોટાઉદેપુરના કવાંટમાં ચકચારી ફારયિંગમાં હત્યાની ઘટના સામે આવી છે. પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપ રાઠવા પર ગતરાત્રે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ કરીને બંને હત્યારાઓ લોકોની નજર સામેથી પસાર થયા હતા. બાદમાં ખબર પડી કે કુલદીપ રાઠવા પર ગોળી ચલાવનારા તેઓ હતા. આ ખુની ખેલ જુની અદાવતમાં ખેલાયો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
કવાંટ પોલીસ મથકમાં રાજપાલસિંહ જામસિંહભાઇ રાઠવાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગત રાત્રે તેઓ અન્ય સાથે ઘર પાસેના રસ્તા પર ઉભા હતા. અને કુલદીપ રાઠવા તથા તેમના પત્ની આગળ ચાલતા હતા. દરમિયાન રાત્રે પોણા દશ વાગ્યે બંદુકમાંથી ફારયિંગનો ધડાકો થયો હતો. તેને અવાજ સંભળાતા ગામનો માણસો રોકો રોકો નો અવાજ કરવા લાગ્યા હતા. તે વખતે સામેથી એક બાઇક પર બે જણા આવતા જણાયા હતા. તેમની સાથે રહેલા માણસોએ તેમને રોકતા અમુ છે અમુ કહ્યું હતું.
સ્ટ્રીટ લાઇટ ચાલુ હોવાથી બાઇક ચાલકની ઓળખ અમલાભાઇ રેવજીભાઇ રાઠવા (બાઇક ચાલક) અને પાઠળ બેઠેલા શંકરભાઇ સનજીભાઇ રાઠવા તરીકે થઇ હતી. શંકર રાઠવાના હાથમાં બંદુક હતી. તેમને ઓળખતા હોવાથી તેઓને જવા દેવામાં આવ્યા હતા. તે વખતે પરિચીતના મોબાઇલ પર ફોન આવ્યો કે, હમણાં એક બાઇક પર બે જણા ફાયરીંગ કરીને તમારી બાજુ નિકળ્યા છે. તેને રોકો તેમ જણાવ્યું હતું. પરંતુ બધાય બંદુકના ધડાકાના અવાજની દિશા તરફ આગળ વધ્યા હતા.
આગળ જઇને બેટરીના અજવાળે જોયું તો કુલદીપ રાઠવાના પેટમાં બંદુકની ગોળી વાગી હતી. તેના આંતરડા સુદ્ધાં બહાર આવી ગયા હતા અને લોહી નિકળતું હતું. તે બેભાન હાલતમાં હતો, તેના શ્વાસ ચાલતા હતા. દરમિયાન ભાભીએ જણાવ્યું કે, હું ઘરની આગળ હતી ત્યારે ભડાકાનો અવાજ આવતા ઘરની બહાર રોડ પર નીકળી ત્યારે શંકર રાઠવા અને અમલાભાઇ રાઠવા બાઇક પર જતા હતા. તેઓ જતા જતા મને જાનુડી જાનુડી કહેતા ગયા હતા. બાદમાં ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં કુલદીપ રાઠવાને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં કવાંટના સરકારી દવાખાનામાં ફરજ પરના હાજર તબિબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
અગાઉ શંકર રાઠવા જોડે કુલદીપ રાઠવાને ગઇ સરપંચની ચૂંટણીમાં ઝઘડો થયો હતો. તે વખતે તેણે કુલદીપને મારી નાંખવાની ધમકી આપી હતી. શંકર રાઠવા આર્મીમાંથી રિટાયર્ડ થયેલો છે. તેની પાસે બંદુક હતી. બંનેએ આ કૃત્ય અંગત અદાવતમાં કર્યું હોવાનો ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં છે. આખરે ઉપરોક્ત મામલે શંકરભાઇ સનજીભાઇ રાઠવા અને અમલાભાઇ રેવજીભાઇ રાઠવા (બંને રહે. પાપલદી, કવાંટ, છોટાઉદેપુર) સામે કવાંટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપીઓને દબોચી લેવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.
આ અંગે રામસિંહ રાઠવાએ જણાવ્યું કે, કુલદીપ મારો ભત્રીજો થયો હતો. તે બીજાના ઘરે બેસીને પોતાના ઘરે આવતા હતા. ત્યાં બાઇક પર આવીને ફાયરિંગ કરીને નિકળી ગયા તેવો મેસેજ મળે મળ્યો હતો. તુરંત તેમને દવાખાને લઇ જવા જણાવ્યું હતું. કાલે રાત્રે તેનું મૃત્યુ થયું છે. આ છોકરો કામ કરવાવાળો હતો. અને ખોટું થાય ત્યારે આવાજ ઉઠાવવા વાળો હતો. ખોટું કરનાર કેટલાક તેમને આ પસંદ ના હોય, ખોટી રીતની દાનતવાળા માટે આ બાધારૂપ હોય જેથી તેવું ષડયંત્ર કર્યું હોય તેમ લાગે છે. શંકર રાઠવાને ચૂંટણી લડવી હતી. તે ચૂંટણીમાં ઉભા રહે, અને જીતી ન શકે તેવી આશંકા હોવાથી આ કૃત્ય કર્યું હોય તેમ લાગે છે.