છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલી કેસરપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા ધોરણ 4ના વિદ્યાર્થીને કરાયેલા મારની ગંભીર ઘટના
માર મારવાને કારણે વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ સર્જાઇ, અને તેનું ડોકું સહેજ પણ સીધું ન થતું હતું.
CHC માં ડૉક્ટરે તપાસ કરી અને જરૂરી સારવાર આપી.
સ્થાનિક લોકોમાં શિક્ષક દ્વારા માર મારવાની ઘટનાને લઇ ભારે રોષ ફેલાયો છે.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની કેસરપુરા પ્રાથમિક શાળામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શાળાના એક શિક્ષકે ધોરણ 4માં ભણતા વિદ્યાર્થીને અગમ્ય કારણોસર ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યું છે. મારને કારણે વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ થતાં રાત્રે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ઘટનાના તરત બાદ વિદ્યાર્થીની તબિયત બગડતા તેનો પરિવાર ભયભીત બની ગયો હતો. માર એટલો જોરદાર મારવામાં આવ્યો કે બાળકનું ડોકું સહેજ પણ સીધું ન થતું હતું. ફરજિયાત રીતે 108 એમ્બ્યુલન્સ બોલાવી વિદ્યાર્થીને નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તપાસ કરીને પ્રાથમિક સારવાર આપી હતી.
ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓએ આ મામલે શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. વિદ્યાર્થીના પિતાએ પણ જવાબદાર શિક્ષક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે તંત્રને અપીલ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને.