એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા વડોદરા એરપોર્ટ પર પ્રથમ આંતરરાષ્ટ્રીય ચાર્ટર્ડ ફ્લાઇટ સફળતાપૂર્વક હાથ ધરાઇ.
- દુબઈના DWC એરપોર્ટથી ફ્લાઈટ નંબર VT-FLX વડોદરા એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરી.
- કુલ 2 કલાક 17 મિનિટના હવાઈ પ્રવાસ બાદ સવારે 11:56 વાગ્યે ફ્લાઈટ ઉતરી હતી.
- ઈમિગ્રેશન, કસ્ટમ અને સુરક્ષા માટે ખાસ તૈયારી અગાઉથી જ ગોઠવવામાં આવી હતી.
વડોદરામાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય નોન-શેડ્યુલ્ડ ચાર્ટર્ડ ફ્લાઇટનું સફળ સંચાલન કરવામાં આવ્યું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા સુચારુ આયોજન હેઠળ આ કામગીરી કોઈ અવરોધ વિના પૂર્ણ કરવામાં આવી.દુબઈના DWC એરપોર્ટથી ફ્લાઈટ નંબર VT-FLX રવિવારે રવાના થઈ હતી અને માત્ર 2 કલાક 17 મિનિટના પ્રવાસ બાદ વડોદરાના હરણી વિસ્તાર સ્થિત BDQ એરપોર્ટ પર સવારે 11:56 વાગ્યે સુરક્ષિત રીતે ઉતરી હતી.
ફ્લાઈટના આગમનને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર ઈમિગ્રેશન, કસ્ટમ અને સુરક્ષા વિભાગની ખાસ તૈયારી ગોઠવવામાં આવી હતી, જેથી મુસાફરોને કોઈ અગવડ ન પડે અને તમામ આંતરરાષ્ટ્રીય કાર્યવાહી પૂર્ણ થઈ શકે. એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓના જણાવ્યા મુજબ તમામ પ્રક્રિયાઓ ચોકસાઈથી પૂર્ણ થઈ હતી અને કોઇ તકનિકી મુશ્કેલી આવી નહોતી.
આ સફળ કામગીરી વડોદરા એરપોર્ટની ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતા અને આંતરરાષ્ટ્રીય ધોરણ મુજબની તૈયારીઓની સાબિતી બની છે. એરપોર્ટ અધિકારીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આવનારા સમયમાં વડોદરા આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીના દિશામાં વધુ પગલું ભરશે. શહેરના વેપારીઓ અને ઉદ્યોગકારો માટે પણ આ વિકાસ એક સકારાત્મક સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.