પોલીસએ તાત્કાલિક કાર્યવાહી કરીને પીડિતાને મુક્ત કરાવ્યો અને ત્રણેય આરોપીઓને ધરપકડ કરી.
વડોદરા: સમા-સાવલી રોડ વિસ્તારના એક સ્પા સેન્ટરમાં કામ કરતી યુવતીના અપહરણ અને અત્યાચારનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પીડિતાના નિવેદન અનુસાર, શિવાની મોરે નામની પૂર્વ સાથી મહિલા સાથેના નાણાકીય વિવાદ બાદ આ ઘટનાનું ગંભીર સ્વરૂપ ધારણ થયું હતું.
યુવતીએ જણાવ્યું કે તેણે શિવાનીને રૂ. 11,000 આપ્યા હતા, જેમાંથી રૂ. 6,600 બાકી હતા. રૂપિયા માંગવા બાદ શિવાનીએ 23 ઓક્ટોબરે રાત્રે પીડિતાને સ્પા પાછળ બોલાવી હતી. ત્યાંથી વકાર તથા ફજરીન નામના બે સાગરીતો સાથે મળીને પીડિતાનું અપહરણ કરી અવાવરું મકાનમાં લઈ જવામાં આવી હતી.ત્યાં યુવતી પર શારીરિક ત્રાસ અને ગુલામી જેવી હરકતો કરવામાં આવી હતી.
આરોપીઓએ ગરમ ચપ્પુ વડે પીડિતાના શરીર પર ગંભીર ઈજાઓ પહોંચાડી અને નગ્ન હાલતમાં નચાવવા મજબૂર કરી વિડીયો રેકોર્ડ કર્યો હતો. પીડિતાને મોઢે ડૂચો પણ મારવામાં આવ્યો હતો.મોડી રાત્રે મોકો મળતાં યુવતીએ પોતાના મોબાઈલથી સ્પા સંચાલક વિવેકભાઈને ઘટનાની જાણ કરી.
તેમની માહિતી આધારે પોલીસે તાત્કાલિક તાંદલજા વિસ્તારના ફ્લેટમાં દરોડો પાડી પીડિતાને મુક્ત કરાવી હતી. શિવાની મોરે, વકાર અને ફજરીન ત્રણેની ધરપકડ કરી તેમની સામે અપહરણ, મારપીટ, ગેરકાયદે કબજા અને હત્યાના પ્રયાસ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે. સમા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.