વડોદરા જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ.ની ચુંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા બાદ ભાજપે મેન્ડેટ જાહેર કરતા અનેક તર્ક ઉભા થયા છે. જોકે આ સહકારી એકમના કેટલાક ઝોનમાં ભાજપના જ બે થી વધુ સહકારી અગ્રણીઓએ સામસામે ઉમેદવારી નોંધાવી દીધા બાદ મેન્ડેટ કેટલું અસરકાર રહેશે તે આવતીકાલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના દિવસે ખબર પડશે.
વડોદરા તેમજ છોટાઉદેપુરને આવરી લેતી સંસ્થા વડોદરા જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘમાં 3 નવેમ્બરથી ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જ્યાં વડોદરા અને છોટાઉદેપુરના 15 ઝોન માટે ઉમેદવારી પત્રો મેળવવા માતે 9 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જ્યાંરે ઉમેદવારી ફોર્મ ભરવા માટેની અંતિમ સમય 10 નવેમ્બર હતી. સહકાર વિભાગમાં મેન્ડેટ પ્રથા આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી હંમેશા ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા જ મેન્ડેટ આપતી હોય છે. જોકે અહિયાં સંકલનના આભાવને કારણે ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા બાદ પણ મેન્ડેટ જાહેર નહિ થતા કેટલાક ઝોનમાં એક કરતા વધુ ભાજપના જ સહકારી અગ્રણીઓએ ઉમેદવારી નોંધાવી હતી. જયારે 15 માંથી ફક્ત 2 ઝોનમાં ભાજપની સામે કોંગેસના સહકારી અગ્રણીની ઉમેદવારી નોંધાઈ છે.
આજે ભાજપે વડોદરા જીલ્લા અને છોટાઉદેપુર જીલ્લાના મેન્ડેટ જાહેર કરી દીધા બાદ પણ અનેક ઝોનમાં ભાજપ વિરુદ્ધ ભાજપની સ્થિતિ ઉભી થઇ છે. પાદરા ઝોનમાં પીનાકીન પટેલને ભાજપે મેન્ડેટ તો આપ્યું પણ સામે પક્ષે ચંદ્રકાંત પરશોત્તમ પટેલ,રાજેન્દ્ર અશ્વિન પટેલ અને ચંદ્રેશ બચુભાઈ પટેલની ઉમેદવારી ઉભી છે. આજ પ્રમાણે કરજણ 1માં ભાજપના સહકારી અગ્રણી અને ધારાસભ્યની પસંદગી પામેલા સહકારી અગ્રણીએ સામસામે ઉમેદવારી ફોર્મ ભર્યા છે. જે પૈકી ધર્મેન્દ્ર પટેલને મેન્ડેટ મળ્યું હોવા છતાંય સામે પક્ષે વિશાલ પટેલ ઉમેદવારી પરત ખેંચે તેવા કોઈ સંજોગ જણાતા નથી.
આજ પ્રમાણે છોટાઉદેપુરના પાવીજેતપુરમાં પણ ડમી ઉમેદવારી ફોર્મની પણ ગણતરી કરીએ તો 4 ઉમેદવારો ભાજપ વિરુદ્ધ ભાજપ છે .જેમાંથી ભાજપે કૌશિક પટેલને મેન્ડેટ આવ્યા બાદ પણ સામે પક્ષે એક ઉમેદવાર ચુંટણી લડશે તેમ લાગી રહ્યું છે. જયારે મેન્ડેટ જાહેર કરવામાં થયેલા વિલંબને કારણે ભાજપના સહકારી અગ્રણીઓ અંદરોઅંદર શીંગડા ભેરવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.