વડોદરા: મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ વર્ષ 2026-27નું ₹7,609.63 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. આ વર્ષે ચૂંટણી હોવાથી લોકો પર સીધો વેરો લાદવાનું ટાળવામાં આવ્યું છે, પરંતુ આડકતરી રીતે ‘યુઝર ચાર્જ’ અને ‘વહીવટી લાગતો’ વધારીને મનપાએ પોતાની તિજોરી ભરવાની તૈયારી કરી લીધી છે.
1. બાંધકામ અને મિલકત સંબંધિત નવા દરો
નવા બજેટમાં બાંધકામ ક્ષેત્રે ‘ગવર્મેન્ટ સેસ’ અને વહીવટી ચાર્જમાં મોટા ફેરફાર કરાયા છે:
ગવર્મેન્ટ સેસ: ₹10 લાખથી વધુના બાંધકામ ખર્ચ પર વિકાસ પરવાનગી સમયે ₹100 પ્રતિ ચો.મી. અને કુલ ખર્ચના 1% લેખે સેસ વસૂલાશે.
મટીરીયલ ચાર્જ: દરેક માળ દીઠ ₹1,500 વસૂલવામાં આવશે.
હપ્તા પદ્ધતિ: વિકાસ પરવાનગીની રકમ ₹50 લાખથી 2 કરોડ સુધી હોય તો 4 હપ્તા અને 2 કરોડથી વધુ હોય તો 6 હપ્તાની સુવિધા મળશે, પરંતુ તેના પર 10% વ્યાજ અને 2% વહીવટી ચાર્જ લાગશે.
2. વોટર અને ડ્રેનેજ કનેક્શન: સીધો 50% થી 100% વધારો
વોર્ડ કક્ષાની સેવાઓમાં નોંધપાત્ર વધારો ઝીંકાયો:
હોટલ કનેક્શન: થ્રી-સ્ટાર હોટલ માટે ચેમ્બર જોડાણ ફી ₹25,000 થી વધારી ₹30,000 અને હાઈ-એન્ડ હોટલો માટે ₹85,000 સુધી કરાઈ છે.
3. નગરગૃહ અને કોમ્યુનિટી હોલના ભાડામાં ઉછાળો
શહેરના જાણીતા હોલ અને અતિથિગૃહો હવે મોંઘા બનશે:
સર સયાજીરાવ નગરગૃહ: પ્રથમ શિફ્ટનું ભાડું ₹4,000 થી વધીને ₹4,500 થયું. રજાના દિવસે આ દર ₹5,000 રહેશે. રિહર્સલ ચાર્જ પણ ₹3,500 થી વધારી ₹4,000 કરાયો છે.
અતિથિગૃહ: સયાજીબાગ અતિથિગૃહનું ભાડું ₹5,000 થી વધીને ₹6,000, જ્યારે અકોટા અતિથિગૃહનું ભાડું ₹12,000 થી વધીને ₹14,000 કરવામાં આવ્યું છે.
અકોટા સ્ટેડિયમ: ભાડું ₹2,000 થી સીધું બમણું કરી ₹4,000 કરાયું છે. કોમર્શિયલ ઉપયોગ માટે હવે ₹70,000 ચૂકવવા પડશે.
4. અન્ય મહત્વના વધારા
ફાયર ટેન્કર: પંપ વગરની ટેન્કર માટે રહેણાંકમાં દર ₹300 થી વધારી ₹600 (બમણો) કરાયો છે.
રસ્તા તોડવાની પરવાનગી: ડામરના રસ્તા માટે રહેણાંક વિસ્તારમાં ₹5,000 ની જગ્યાએ ₹10,000 અને કોમર્શિયલમાં ₹15,000 વસૂલાશે.
સફાઈ વહીવટી ચાર્જ: શાળાઓ માટે ₹1,500 ના બદલે ₹2,000 અને કોમર્શિયલ એકમો માટે ₹6,000 ના બદલે ₹10,000 કરાયા છે.
વેન્ડર રજીસ્ટ્રેશન: ગુજરાત બહારની કંપનીઓ માટે ફી ₹62,500 થી વધારી ₹80,000 કરવામાં આવી છે.
🫵સ્વિમિંગ પુલના માસિક ચાર્જમાં પણ ₹50નો વધારો કરી તેને ₹300 કરવામાં આવ્યો છે. જોકે, એમ્ફી થિયેટરમાં કેમેરા અને વિડિયો શૂટિંગની ફી રદ કરીને નાગરિકોને થોડી રાહત અપાઈ છે.