રાજ્ય સરકારની ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY-મા)’ અંતર્ગત ગરીબોની નિઃશુલ્ક સારવારમાં ગેરરીતિ સામે આરોગ્ય વિભાગે કડક પગલાં લીધા છે.
- તપાસ દરમિયાન, ગોધરામાં દવાઓ એક્સપાયર્ડ મળી આવી, MBBS ડોકટર હાજર નહોતો.
- ભરૂચના કાશીમા હોસ્પિટલમાં પૂરતા પ્રમાણપત્રો અને ફાયર NOCના અભાવે મુશ્કેલી જણાઇ, તેમજ, CCTV ફૂટેજ નથી આપાયું.
- આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા જણાવ્યું કે, માનવતા વિરોધી વર્તન સહન નહીં કરવામાં આવે.
રાજ્ય સરકારની મહત્વકાંક્ષી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – PMJAY ‘મા’ હેઠળ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને મળતી નિઃશુલ્ક સારવારમાં ગેરરીતિઓ સામે આરોગ્ય વિભાગે સખ્ત કાર્યવાહી શરૂ કરી છે.આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના સીધા નિર્દેશ બાદ મધ્ય ગુજરાતની ચાર હોસ્પિટલો પર ઓચિંતી તપાસ હાથ ધરાઈ હતી.
તપાસ દરમિયાન ગંભીર ખામીઓ સામે આવતા બે હોસ્પિટલોને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવી છે, જ્યારે બાકી બે હોસ્પિટલોને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.પંચમહાલના ગોધરાની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલમાં એક્સપાયર્ડ દવાઓ મળી આવી હતી અને MBBS ડોક્ટર હાજર નહોતો. PICU તથા NICU માટેના જરૂરી માપદંડોનું પણ પાલન નહોતું. એ જ રીતે, ભરૂચની કાશીમા હોસ્પિટલમાં ક્વોલિફાઇડ નર્સિંગ સ્ટાફના અભાવ સાથે ફાયર NOC અને BU પરમીશન પણ ઉપલબ્ધ નહોતાં.
કારણદર્શક નોટિસ અપાયેલામાં પંચમહાલની કાલોલની ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલ અને દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાની મા ચિલ્ડ્રન એન્ડ નીઓનેટલ કેરનો સમાવેશ થાય છે. બંને જગ્યાએ યોજનાકીય નિયમોનું પાલન ન થયું હતું અને એક સ્થળે CCTV ફૂટેજ આપવાનો ઇનકાર પણ નોંધાયો હતો.આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે ‘PMJAY-મા’ યોજના ગરીબ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે અને કોઈપણ પ્રકારની ગેરરીતિ કે બેદરકારી સહન કરવામાં આવશે નહીં. રાજ્ય સરકાર ભવિષ્યમાં પણ આવા મામલાઓ પર વધુ કડક પગલાં લેવાની તૈયારીમાં છે.