Vadodara

વડોદરા: APMC ફ્રુટ માર્કેટમાં ચાલતા દારૂના કટિંગ પર કપુરાઈ પોલીસનો દરોડો; ₹11.65 લાખના મુદ્દામાલ સાથે 3 બુટલેગર ઝડપાયા

Published

on

  • માર્કેટમાં દારૂનું કટિંગ: સયાજીપુરા APMC ફ્રુટ માર્કેટના પ્લોટ નંબર 299માં રેડ પાડી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો.
  • 3,120 બોટલ જપ્ત: મારૂતિ સુઝુકી ફ્રોન્ક્સ કારમાં ભરાઈ રહેલો વ્હાઇટ લેસ વોડકાનો મસમોટો જથ્થો રિકવર.
  • મોબાઈલ અને વાહનો જપ્ત: ફ્રોન્ક્સ કાર, એક્સેસ મોપેડ અને 3 મોબાઈલ મળી કુલ ₹11.65 લાખનો મુદ્દામાલ કબજે.
  • મુખ્ય સૂત્રધાર ફરાર: દારૂ મંગાવનાર શક્તિ ચૌહાણ અને દારૂ મોકલનાર અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કરાયા.

વડોદરા શહેરમાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ કમિશનર નરસિંહા કોમાર, સંયુક્ત પોલીસ કમિશનર નિલેશ જાંજડિયા (સેક્ટર-2, ક્રાઈમ) તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-3 અભિષેક ગુપ્તા દ્વારા અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત કપુરાઈ પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.વી. રાઉલના માર્ગદર્શન હેઠળ પોલીસે સયાજીપુરા ફ્રુટ માર્કેટમાં દરોડો પાડી વિદેશી દારૂના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે.

🧐બાતમીના આધારે સફળ રેડ:

કપુરાઈ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. શ્રી એલ.એન. સાંસરા અને સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન એ.હે.કો. રમેશભાઈ, એ.પો.કો. સતીષભાઈ અને એ.પો.કો. કરણભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે, સયાજીપુરા એ.પી.એમ.સી. ફ્રુટ માર્કેટમાં પ્લોટ નંબર 299માં ભારતીય બનાવટના વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું છે અને એક સફેદ રંગની મારૂતિ સુઝુકી ફ્રોન્ક્સ કારમાં દારૂનો જથ્થો ભરવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતા સ્થળ પરથી ત્રણ ઇસમો દારૂના જથ્થા સાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

🚨ઝડપાયેલા આરોપીઓના નામ:

1. ચિરાગ ઉર્ફે પપ્પુ લક્ષ્મણભાઈ ચૌહાણ (ઉ.વ. 22, રહે. ભાથુજી ફળિયું, છાણી, વડોદરા)

2. કૌશિક યોગેશભાઈ ઝાલા (ઉ.વ. 25, રહે. પંચમ ગ્રીન ટેનામેન્ટ, દશરથ ગામ, વડોદરા)

3. તુષાર સંતોષભાઈ શેવાળે (ઉ.વ. 27, રહે. કંસારાવાડી, જયરત્ન બિલ્ડિંગ, નવાપુરા, વડોદરા)

💰કબજે કરેલ મુદ્દામાલ (કુલ કિંમત ₹11,65,500):

પોલીસે ઘટનાસ્થળેથી વાહનો અને પ્લાસ્ટિકની બેગમાં દીવાલને અડીને રાખેલો વિદેશી દારૂનો મોટો જથ્થો કબજે કર્યો છે:

  • વ્હાઇટ લેસ જંબુન વોડકા (180મિલી): 2,496 સીલબંધ બોટલ (કિંમત ₹4,99,200)
  • વ્હાઇટ લેસ વોડકા ઓરેન્જ ફ્લેવર (180 મિલી): 624 સીલબંધ બોટલ (કિંમત ₹1,24,800)
  • કુલ દારૂ: 3,120 નંગ ક્વાર્ટરિયા (કિંમત ₹6,25,000)
  • મોબાઈલ ફોન: 3 નંગ (કિંમત ₹11,500)
  • મારૂતિ સુઝુકી ફ્રોન્ક્સ કાર (GJ-06-RA-0391): કિંમત ₹5,00,000
  • સુઝુકી એક્સેસ મોપેડ (GJ-06-QB-1411): કિંમત ₹30,000

👮બે મુખ્ય સાગરીતો વોન્ટેડ:

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય બુટલેગર શક્તિ ચૌહાણ તેમજ દારૂનો જથ્થો મોકલનાર અન્ય એક અજાણ્યો ઇસમ છે. કપુરાઈ પોલીસે આ બંને આરોપીઓને પકડવાના બાકી દર્શાવી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Trending

Exit mobile version