- 4 ગુનાઓ ડીટેક્ટ: બાપોદ, વારસીયા અને ગોરવા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો.
- એકતાનગર નાકા પરથી ધરપકડ: નંબર પ્લેટ વગરની મોટરસાયકલ પર ચોરીના દાગીના સગેવગે કરવા નીકળેલો અજય ઉર્ફે અજલો રાજપૂત દબોચાયો.
- મોટો મુદ્દામાલ જપ્ત: સોના-ચાંદીના દાગીના, 4 કાંડા ઘડિયાળ અને ચોરીની 3 ટુ-વ્હીલર ગાડીઓ સહિત કુલ ₹4,11,854નો માલ કબજે.
- રીઢો ગુનેગાર: આરોપી અગાઉ ચેઈન સ્નેચિંગ અને ચોરી જેવા 12 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અને પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ આવ્યો છે.
વડોદરા શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને અગાઉ બનેલી ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરીના વણઉકેલાયેલા (અનડીટેક્ટ) ગુનાઓનો ભેદ ઉકેલવા માટે પોલીસ કમિશનરની સૂચના હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમો સતત પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને શહેરના એક રીઢા અને લિસ્ટેડ તસ્કરને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે.
👉બાતમીના આધારે કોર્ડન કરી દબોચ્યો:
ક્રાઈમ બ્રાન્ચની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ માહીતી મળી હતી કે, અગાઉ ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલ આરોપી અજય ઉર્ફે કાળીબોટી રાજપૂત હાલમાં ચોરી કરેલા સોના-ચાંદીના દાગીના સગેવગે કરવા માટે નંબર પ્લેટ વગરની હીરો પેશન મોટરસાયકલ લઈને આજવા રોડ એકતાનગર નાકા પાસે બેઠો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી આરોપીને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો.
🧐ઝડપાયેલ આરોપીનું નામ:
- અજય ઉર્ફે કાળીબોટી ઉર્ફે અજલો કમલેશભાઈ રાજપૂત (રહે. રામનગર, રણછોડનગરની પાછળ, આજવા રોડ, વડોદરા).
💰સોના-ચાંદીના દાગીના અને વાહનો રિકવર:
પોલીસે જ્યારે આરોપીની અંગઝડતી કરી ત્યારે તેના પેન્ટના ખિસ્સામાંથી સોનાની 2 વીંટી, પેંડલ સાથેનું મંગળસૂત્ર, ચેઈનનો ટુકડો, ચાંદીનો સિક્કો, પાયલની જોડી, હોન્ડા એક્ટિવાની ચાવી અને અલગ-અલગ કંપનીની 4 કાંડા ઘડિયાળ મળી આવી હતી. આ કિંમતી સામાનના બિલ કે વાહનના કાગળો તેની પાસે ન હોવાથી પોલીસે શંકાસ્પદ મુદ્દામાલ તરીકે તેને જપ્ત કર્યો હતો. આરોપીની સઘન પૂછપરછ બાદ તેની નિશાનદેહી પરથી ચોરીના અન્ય બે વાહનો પણ કબજે કરાયા હતા.
👮કબજે કરેલ કુલ મુદ્દામાલ (કિંમત ₹4,11,854):
1. સોનાના દાગીના (વીંટી-2, મંગળસૂત્ર પેંડલ સાથે, ચેઈનનો ટુકડો) — કિંમત ₹2,66,268
2. ચાંદીના દાગીના (સિક્કો-1, પાયલ જોડી-1) — કિંમત ₹20,386
3. કાંડા ઘડિયાળ (નંગ-4) — કિંમત ₹2,000
4. હીરો પેશન મોટરસાયકલ — કિંમત ₹25000
5. બજાજ સીટી 100 મોટરસાયકલ — કિંમત ₹20,000
6. હોન્ડા એક્ટિવા મોપેડ — કિંમત ₹80,000
🚨દોઢ મહિનામાં આચરેલા 4 ગુનાઓનો ભેદ ઉકેલાયો:
આરોપીની કડક પૂછપરછમાં તેણે સ્વીકાર્યું હતું કે આ મુદ્દામાલ તેણે છેલ્લા દોઢ માસ દરમિયાન વડોદરાના જુદા-જુદા વિસ્તારોમાંથી રાત્રીના સમયે બે ઘરફોડ ચોરી અને ત્રણ ટુ-વ્હીલર વાહનોની ચોરી કરીને મેળવ્યો હતો. આ ધરપકડથી નીચે મુજબના 4 ગુનાઓ ડીટેક્ટ થયા છે:
- બાપોદ પોલીસ સ્ટેશન: એક ઘરફોડ તથા વાહન ચોરીનો ગુનો અને અન્ય એક વાહન ચોરીનો ગુનો (કુલ 2 ગુના).
- વારસીયા પોલીસ સ્ટેશન: એક ઘરફોડ ચોરીનો ગુનો.
- ગોરવા પોલીસ સ્ટેશન: એક વાહન ચોરીનો ગુનો.
🚨12 ગુનાનો ઇતિહાસ અને પાસાની કાર્યવાહી:
પકડાયેલો આરોપી અજય ઉર્ફે કાળીબોટી આર્થિક ફાયદા માટે અવારનવાર ચેઈન સ્નેચિંગ, ચીલઝડપ અને વાહન ચોરી કરવા ટેવાયેલો છે. તે અગાઉ બાપોદ, વડોદરા તાલૂકા, કારેલીબાગ અને અટલાદરા પોલીસ સ્ટેશનમાં કુલ 12 જેટલા ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અને તેની ગુનાહિત પ્રવૃત્તિઓના કારણે અગાઉ એક વખત ‘પાસા’ (PASA) હેઠળ જેલમાં પણ જઈ આવ્યો છે.
🗣️ક્રાઈમ બ્રાન્ચે તમામ મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે આરોપીને સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવાની તજવીજ હાથ ધરી છે.