ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો મહત્વનો નિર્ણય,શહેર/જિલ્લા હોદ્દેદારોની નિમણૂક હવે સર્વસંમતિ અથવા મત આધારીત ‘સેન્સ’ પદ્ધતિથી
- અત્યાર સુધી શહેર-જિલ્લા પ્રમુખોને પોતાની મરજી મુજબ ટીમ બનાવવાનો અધિકાર – હવે તેમાં કાપ
- જૂની પદ્ધતિમાં ‘ઓળખીતા / નજીકના લોકોને હોદ્દા’ – જેના કારણે અસંતોષ અને લ્હાણીના આક્ષેપ
- રાજ્યભરમાં 82 નિરીક્ષકોની નિમણૂક – દરેક જિલ્લા/મહાનગરોમાં ‘સેન્સ’ પ્રક્રિયા ચાલુ,10 નવેમ્બર સુધી કામગીરી પૂર્ણ થવાની યોજના
ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પક્ષના સંગઠનમાં પારદર્શિતા જાળવી આંતરિક અસંતોષ દૂર કરવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે શહેર અને જિલ્લામાં હોદ્દેદારોની નિમણૂક સર્વસંમતિ અથવા મત માટે ‘સેન્સ’ (સર્વસંમતિ/મત લેવા) પદ્ધતિથી થશે. આ નિર્ણય બાદ શહેર અને જિલ્લા પ્રમુખોને પોતાની રીતે ટીમ બનાવવા મળે તેવા અધિકારમાં કાપ મુકાયો છે.
અત્યાર સુધી પ્રમુખો પોતાના નજીકના અથવા ઓળખીતા લોકોને હોદ્દા આપતા હતા, જેના કારણે પક્ષમાં અસંતોષ અને હોદ્દાની લ્હાણીના આક્ષેપો થતા હતા. નવી પદ્ધતિથી હવે વફાદાર અને પાયાના કાર્યકરોને તક મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
પક્ષે રાજ્યભરમાં કુલ 82 નિરીક્ષકોની નિમણૂક કરી છે, જેઓ દરેક જિલ્લા અને મહાનગરોમાં પહોંચી ‘સેન્સ’ પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે. 10 નવેમ્બર સુધી આ કામગીરી પૂરી થશે. દરેક જિલ્લાની પેનલ તૈયાર કરી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને સોંપાશે, જે અંતિમ નિર્ણય લેશે.
જ્યારે વિશ્લેષકો માને છે કે જો આ પદ્ધતિ ગુજરાતમાં સફળ થશે, તો તે ભાજપ માટે રાષ્ટ્રીય સ્તરે સંગઠન શિસ્ત અને પારદર્શિતાનું મોડલ બની શકે છે.