નસવાડીના જેમલગઢમાં નળ છે પણ જળ નથી
- ટાંકીઓ શોભાના ગાંઠિયા સમાન છે. ગ્રામજનો અશુદ્ધ અને TDS વાળું પાણી પીવા મજબૂર.
- મહિલાઓની કાળઝાળ ગરમીમાં હેડપમ્પ સીંચીને પાણી ભરવાની નોબત.
“સરકાર કાગળ પર દાવો કરે છે કે ‘નલ સે જલ’ યોજના દ્વારા છેવાડાના માનવી સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું જેમલગઢ ગામ આજે પણ પાણીના એક-એક ટીપા માટે તરસી રહ્યું છે. જુઓ અમારો આ ખાસ રિપોર્ટ.”
“આ છે નસવાડીનું જેમલગઢ ગામ, જ્યાં વિકાસના દાવાઓની પોલ ખુલ્લી પડી રહી છે. ગામના આલિયાઘોડા ફળિયામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા મોટી ટાંકીઓ બનાવવામાં આવી, ઘરે-ઘરે નળ કનેક્શન પણ અપાયા. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, યોજના શરૂ થઈ ત્યારથી આજદિન સુધી આ નળમાંથી પાણીનું એક ટીપું પણ ટપક્યું નથી.”
“સ્થાનિકોનો આક્ષેપ છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે આ યોજનામાં ભારે ભ્રષ્ટાચાર થયો છે. ટાંકીથી ગામ સુધી આવતી લાઈનોમાં અનેક જગ્યાએ લીકેજ છે, જેના કારણે પાણી છેક સુધી પહોંચતું જ નથી. 400ની વસ્તી ધરાવતું આ ફળિયું આજે તંત્રની બેદરકારીનો ભોગ બન્યું છે.”
“જ્યારે સરકાર શુદ્ધ પાણીના વાયદા કરે છે, ત્યારે અહીંની મહિલાઓએ ધોમધખતા તાપમાં હેડપમ્પ સીંચીને પાણી ભરવું પડે છે. પંચાયતના વોટરવર્ક્સનું વધુ TDS વાળું અને અશુદ્ધ પાણી પીવાને કારણે ગ્રામજનોના સ્વાસ્થ્ય સામે પણ ખતરો ઊભો થયો છે. માત્ર માણસો જ નહીં, પણ ગામના પશુઓ માટે પણ ઉનાળામાં પીવાનું પાણી મેળવવું એક પડકાર બની ગયું છે.”
“સ્થાનિકોનું કહેવું છે કે, ‘અમે ગ્રામસભામાં અને પાણી પુરવઠા વિભાગમાં અનેકવાર રજૂઆતો કરી છે, પણ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. સરકારના લાખો રૂપિયા વ્યર્થ ગયા છે અને અમને સુવિધાના નામે માત્ર પોલા વાયદા મળ્યા છે.'”
“હવે સવાલ એ થાય છે કે શું ઉચ્ચ અધિકારીઓ આ ભ્રષ્ટાચારની તપાસ કરશે? શું જેમલગઢના આલિયાઘોડા ફળિયાના લોકોને ક્યારેય નળમાં જળ મળશે ખરું? કે પછી આ યોજના કાયમ માટે કાગળ પર જ રહેશે?”