ગાંધીનગર: ગુજરાતના રાજકારણમાંથી આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને પંચમહાલની શહેરા બેઠકના કદાવર ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ (આહીર) એ પોતાના પદ પરથી સ્વેચ્છાએ રાજીનામું આપી દીધું છે.
❓રાજીનામું આપવા પાછળનું કારણ
સૂત્રોના જણાવ્યા અનુસાર, જેઠાભાઈ ભરવાડે અન્ય સામાજિક અને વહીવટી હોદ્દાઓની જવાબદારી તેમજ કામની વ્યસ્તતાને કારણે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. તેમણે ઉમેર્યું કે, “મેં સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે જેથી અન્ય કોઈને આ પદ પર કામ કરવાની તક મળી શકે.”
📌 મહત્વની વિગતો:
- સ્થળ: રાજીનામું વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના નિવાસસ્થાને સોંપવામાં આવ્યું હતું.
- ઉપસ્થિતિ: આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ (રાજ્યમંત્રી) જગદીશભાઈ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
- સ્વીકાર: વિધાનસભાના અધ્યક્ષશ્રીએ જેઠાભાઈનું રાજીનામું વિધિવત રીતે સ્વીકારી લીધું છે.
👉 સહકારી ક્ષેત્રમાં મોટું કદ
જેઠાભાઈ ભરવાડ માત્ર રાજકારણમાં જ નહીં, પરંતુ સહકારી ક્ષેત્રમાં પણ મોટું નામ ધરાવે છે. તેઓ હાલમાં પંચામૃત ડેરીના ચેરમેન તરીકે કાર્યરત છે અને તાજેતરમાં જ તેઓ ફરીથી આ પદે બિનહરીફ ચૂંટાયા હતા. તેમની આ વ્યસ્તતા પણ રાજીનામા પાછળનું એક મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.
🧐 આ રાજીનામા બાદ હવે ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ તરીકે કોની વરણી થશે, તેના પર સૌની નજર ટકેલી છે.