Gujarat

પંજાબમાં RDX બ્લાસ્ટના એલર્ટ બાદ ગોધરા રેલવે સ્ટેશન પર હાઈ-એલર્ટ: પોલીસનું સઘન સર્ચ ઓપરેશન

Published

on

ગોધરા: પંજાબના સરહિંદ રેલવે સ્ટેશન નજીક ફ્રેટ કોરિડોર પર થયેલા શંકાસ્પદ RDX બ્લાસ્ટ અને આગામી પ્રજાસત્તાક પર્વને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશના રેલવે તંત્રને હાઈ-એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. ગુપ્તચર એજન્સીઓના ગંભીર ઈનપુટને પગલે પશ્ચિમ રેલવેના વ્યસ્ત અને સંવેદનશીલ એવા ગોધરા રેલવે સ્ટેશન પર સુરક્ષા એજન્સીઓ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

🧐સુરક્ષા એજન્સીઓ એક્શન મોડમાં

મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને GRP (રેલવે પોલીસ) અને RPFના જવાનો તાત્કાલિક હરકતમાં આવ્યા હતા. બપોરે 12 થી 1 વાગ્યા દરમિયાન રેલવેના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ દરમિયાન સ્ટેશનના પ્રવેશ અને નિકાસ દ્વાર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

👮BDDS અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ

સર્ચ ઓપરેશનને વધુ અસરકારક બનાવવા માટે ગોધરા સ્પેશિયલ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી હતી. તપાસ દરમિયાન નીચે મુજબના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા:

  • રેલવે પ્લેટફોર્મ અને પેસેન્જર વેઈટિંગ રૂમ.
  • રેલવે યાર્ડ અને ટ્રેક વિસ્તાર.
  • મુસાફરોનો સામાન અને પાર્સલ ઓફિસ.
  • શંકાસ્પદ કેમિકલ કે વસ્તુઓ માટેની ઝીણવટભરી તપાસ.

👉પરિસ્થિતિ સામાન્ય: તંત્રએ લીધો રાહતનો શ્વાસ

​આશરે એક કલાક સુધી ચાલેલી આ સઘન કવાયત દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ, વ્યક્તિ કે વિસ્ફોટક મળી આવ્યા ન હતા. સંપૂર્ણ તપાસ બાદ પરિસ્થિતિ સામાન્ય જણાતા રેલવે વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, પ્રજાસત્તાક દિન સુધી સ્ટેશન પર સતત વોચ રાખવા અને મુસાફરોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

Trending

Exit mobile version