અમદાવાદમાં વધુ એક નબીરાએ રસ્તા પર કાળો કેર વર્તાવ્યો છે. શહેરના પોશ ગણાતા શીલજ-થલતેજ રોડ પર આજે એક નશામાં ધૂત કાર ચાલકે 9 જેટલા વાહનોને અડફેટે લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોના જે રીતે ફુરચા ઉડ્યા છે તે જોઈને કોઈનું પણ કાળજું ધ્રૂજી ઉઠે.
📍ઘટનાની વિગતો મુજબ
શીલજ-થલતેજ રોડના વ્યસ્ત વિસ્તારમાં એક સફેદ રંગની કિયા કાર પૂરઝડપે આવી રહી હતી. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા રસ્તા પર જઈ રહેલા બાઈક, રિક્ષા અને અન્ય કાર સહિત કુલ 9 વાહનોને ધડાકાભેર ટક્કર મારી હતી. અકસ્માત બાદ હાઈવે પર ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ હતી.
🧐લોકોનો આક્રોશ
સ્થાનિક લોકોએ તાત્કાલિક કારને ઘેરી લીધી હતી અને ડ્રાઈવરને નીચે ઉતાર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ડ્રાઈવર એટલો નશામાં ધૂત હતો કે તે પોતાના પગ પર ઉભો રહેવાની સ્થિતિમાં પણ નહોતો. ગુસ્સે ભરાયેલા લોકોએ ડ્રાઈવરને પકડી રાખ્યો હતો અને પોલીસને જાણ કરી હતી.
🚨પોલીસ કાર્યવાહી:
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકની અટકાયત કરી છે. તેની સામે આઈપીસીની કલમ 279, 337, 338 અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ચાલકનો નશો સાબિત કરવા માટે તેનું બ્લડ ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરાઈ છે.
🫵આ અકસ્માતે ફરી એકવાર અમદાવાદમાં ‘ડ્રિંક એન્ડ ડ્રાઈવ’ અને રોડ સેફ્ટી સામે મોટા સવાલો ઉભા કર્યા છે. શું કડક કાયદાઓ માત્ર કાગળ પર જ રહેશે? ક્યારે અટકશે આ બેફામ રફતાર? તે જોવું રહ્યું.